મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અહીં ફાર્મ હાઉસમાં ચાલી રહી છે ખાનગી યુનિવર્સિટી, કોંગ્રેસ MLAએ માન્યતા રદ્દ કરવા કરી માંગ

તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના એક જિલ્લામાં એક ખાનગી યુનિવર્સિટી એક

ગુજરાતમાં અહીં ફાર્મ હાઉસમાં ચાલી રહી છે ખાનગી યુનિવર્સિટી, કોંગ્રેસ MLAએ માન્યતા રદ્દ કરવા કરી માંગ

તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના એક જિલ્લામાં એક ખાનગી યુનિવર્સિટી એક ફાર્મહાઉસમાં ચાલી રહી છે. આ યુનિવર્સિટી પાસે નથી પોતાનું મુખ્ય વહીવટી બિલ્ડીંગ કે નથી કોઈ શૈક્ષણિક ભવનો. આમ છતાં સરકારી દસ્તાવેજોમાં આ યુનિવર્સિટી કાર્યરત છે. 

આ વાત છે પાટણ જિલ્લાના વડલી ગામમાં આવેલી એમ.કે. યુનિવર્સિટીની. કોંગ્રેસ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે આ યુનિવર્સિટી અંગે ગુજરાત વિધાનસભામાં રજૂઆત કરતા કહ્યું કે એમ.કે. યુનિવર્સિટી માટે જે જગ્યા મંજૂર કરવામાં આવી છે ત્યાં અત્યારે માત્ર એક ફાર્મ હાઉસ છે. 

તેમણે કહ્યું કે આ એમ.કે. યુનિવર્સિટી સરકારી રેકોર્ડ પર કાર્યરત છે, પણ UGCના નિયમ મુજબનું યુનિવર્સિટી પાયે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, માટે  યુનિવર્સિટી ભૂતિયા ગણાય. 

તેમણે કહ્યું કે એમ.કે. યુનિવર્સિટીના સંચાલકોને રાજસ્થાનની ભાજપ સરકારે જેલમાં પુરી દીધા છે, તો ગુજરાત સરકાર એમને કેમ સાચવી રહી છે? 

કોંગ્રેસ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે આ યુનિવર્સિટીની માન્યતા રદ્દ કરવા સાથે હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસ સમિતિ રચી તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તપાસમાં સામે આવી જશે કે આ યુનિવર્સિટીની માન્યતા ક્યાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને લેવામાં આવી છે. 

તેમણે કહ્યું કે તપાસ દરમિયાન યુનિવર્સિટીએ કાંઈ ખોટું કરેલું બહાર આવે તેની સામે પોલીસ ફરીયાદ કરીને સખત પગલાં ભરવામાં આવે તેવી માંગ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ કરી છે. તેમણે કહ્યું કે  સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે તો હાઈકોર્ટેમાં રજૂઆત કરીશુ.

આ સમાચાર શેર કરો