AHMEDABAD : ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામમાં 240 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપ, જાણો વિગત
Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 22 કિલોમીટર વિસ્તારને આવરી

Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 22 કિલોમીટર વિસ્તારને આવરી લેતી ખારીકટ કેનાલનુ રુપિયા 1200 કરોડના ખર્ચથી રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જો કે વિપક્ષ દ્વારા ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામમાં 240 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે આરોપ લગાવતા કહ્યું કે ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામની ડિઝાઇન માં ફેરફાર કરીને 240 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે.
વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું કે ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામની ડિઝાઇન પ્રમાણે કેનાલ પર બનેલ રોડ નીચે પ્રિકાસ્ટ બોક્ષ નાખવાનાં હોય છે, પરંતુ કેટલાક ભાગમાં પ્રિકાસ્ટ બોક્ષ નાખ્યા બાદ કોન્ટ્રાક્ટરે અન્ય ભાગમાં પ્રિકાસ્ટ બોક્ષ નથી નાખ્યાં.
તેમણે કહ્યું કે ખારીકટ કેનાલનું 5 તબક્કામાં રીડેવલોપમેન્ટ કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં 4 કોન્ટ્રાકટર્સને કામ આપવામાં આવ્યું છે. પણ પહેલા તબક્કા અને ત્રીજા તબક્કામાં કોન્ટ્રાકટરે પ્રિકાસ્ટ બોક્ષ નથી નાખ્યાં. આમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો મૌન છે. આગામી દિવસોમાં કેનાલ પરનો રોડ બેસી જશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે?
આગળ તેમણે કહ્યું કે કોઈ પ્રોજેક્ટની ડિઝાઇન બદલવી હોય તો રિવાઇસ મૂકવામાં આવે છે, જે અહી નથી કરવામાં આવ્યું. ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામની ડિઝાઇન માટે ડિઝાઇન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને સાડા બાર કરોડ ચૂકવાવમાં આવ્યાં છે, પણ તે પણ કઈ બોલવા તૈયાર નથી. કેનાલના રોડની નીચે પ્રિકાસ્ટ બોક્ષ નથી નાખ્યાં છતાં પ્રથમ કોન્ટ્રાકટરને 100 કરોડ ચૂકવાઈ દેવાયા છે.
વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે એમ પણ કહ્યું કે ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ કામની મુલાકાત લેવા આવેલારાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સત્તાધીશોએ ગેરમાર્ગે દોર્યાં છે. મુખ્યમંત્રીને એ જગ્યાએ જ લઈ જવામાં આવ્યાં જ્યાં કેનાલના રોડની નીચે પ્રિકાસ્ટ બોક્ષ લગાવવામાં આવ્યાં હતા.
કોંગ્રેસે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે કોઈ કાર્યવાહી નહીં થાય તો કોર્ટમાં પણ જઈશું.








