અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત કફોડી, છતાં બગવાડા ટોલનાકે ટેક્સ વધવાની હિલચાલથી રોષ
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારો કરાવવાની હિલચાલ ચાલી રહી હોવ

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારો કરાવવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોર શોરથી ચર્ચા છે. આથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે. મહત્વપૂર્ણ છે કે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે. જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ચોમાસાના ચાર મહિના આ હાઇવે ખાડા હાઇવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
બેઠક બોલાવાઈ
હાઇવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે.ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાવ વધારાના થઈ રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો. ખરાબ હાઇવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો હતો.
હાઈવેની હાલત ખરાબ
વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં રોજિંદા 5,000થી વધુ ભારે વાહનોની અવર જવર રહે છે. તેમ છતાં અહીંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત બદત્તર છે. ખરાબ હાઇવે હોવા છતાં પણ ટોલટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોને નુકશાન થયું હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોના વર્ષના 12 મહિનામાં ચોમાસાના ચાર મહિના હાઇવેની હાલત ખરાબ હોય છે. તેમ છતાં કોઈ પણ સુવિધા વિના ખરાબ હાઇવેનો ઉપયોગ કરવા મજબૂર બની પૂરેપૂરો ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. આથી સરકાર અને ટોલ એજન્સી વિરુદ્ધ ટ્રાન્સપોર્ટરો વ્યક્ત કરી રહ્યા છે.








