પાટીલની રેલીને લઈ મતદાનના આગલા દિવસે નવસારી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પંચમાં આપી ફરિયાદ
લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નવસારીના ઉમેદવાર નૈષધ દ

લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચમાં બે ફરિયાદ આપતાં કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે, પોલીસ દ્વારા પણ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. પાટીલની રેલીમાં 50 કારનો પોલીસનો કાફલો હતો. જ્યારે અમારી પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ હોવા છતાં એક પણ પોલીસ જવાન શોધ્યે પણ જડતો નહોતો.
પદયાત્રા અટકાવાઈ
નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સી.આર.પાટીલની બાઇક રેલી સહિતના બે મુદ્દે અમે ચૂંટણી તંત્રને બે ફરિયાદ કરી છે. જેમાં લિંબાયત વિસ્તારમાં અમારી પદયાત્રા હતી. તેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. અમારી યાત્રાના આયોજકોને પકડવામાં આવ્યા છે. અમારી પદયાત્રામાં 500 બહેનો હતી. છતાં એક પણ પોલીસની ગાડી અમારી સાથે ન આવી. પોલીસ અમને હેરાન કરતી રહી હતી.
ચૂંટણી તંત્રને ફરિયાદ
દેસાઈએ વધુમાં કહ્યું કે, કાલે મારા ફાર્મ બહાર રેલી નીકળી હતી. ત્યારે 50 કાર આ રેલીમાં હતી. દોઢ કલાક સુધી આ કાર પોલીસની રેલી સાથે રહી હતી. અમે ગોડાદરાની અને ગઈકાલની રેલી બાબતે ચૂંટણી તંત્રને ફરિયાદ કરી છે. અમારી પાસે કાર્યકર્તાની કમી છે. મોટા ભાઈ પાટીલ પાસે 4000 કાર્યકર્તા છે અને અમારી પાસે 1000 કાર્યકર્તા છે. તેમ છતાં જનતા આવતીકાલે ન્યાય તોળવાની છે. જેમાં સત્યનો વિજય થશે તેમ અમે સ્પષ્ટ માનીએ છીએ.








