ધોરણ-12ની પરીક્ષામાં સફળતા સર કરનારા સામાન્ય પરિવારના સંતાનોએ કહ્યું-આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી
સફળતાને આડે હિમાલય પણ આવતો ન હોવાની સાબિતી ધોરણ 12ના પરિણામમાં જોવા મળી હતી. સામાન્

સફળતાને આડે હિમાલય પણ આવતો ન હોવાની સાબિતી ધોરણ 12ના પરિણામમાં જોવા મળી હતી. સામાન્ય પરિવારમાથી આવતા અને હાડમારીઓ વચ્ચે અભ્યાસ કરનારા સંતાનોએ સફળતા પ્રાપ્ત કરી છે. રોજની આઠથી 10 કલાકની સતત મહેનત કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ સફળતા પાછળ શાળા સહિતની સુવિધાઓની સાથે જ આકરી મહેનતનો કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું હતું.
આઈએએસ બનવાની ઈચ્છા
નાના વરાછામાં આવેલી સરદાર વિદ્યાલયમાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારી વિદ્યાર્થિની ખુમાણ હિરલ નરેશભાઈએ કહ્યું કે, મારે 95.73 ટકા આવ્યા છે. સાથે જ 99.96 પીઆર આવ્યા છે. સ્ટેટના પેપરમાં મારે 100 માર્કસ આવ્યા છે. રોજનું ચારથી પાંચ કલાકનું વાંચન કરતી હતી. આ સમગ્ર શ્રેય શાળા, શિક્ષકો અને પરિવારને જાય છે. હું આગળ આઈએએસ બનવા ઈચ્છું છું. ટ્રસ્ટી બાબુભાઈ રાદડીયાએ તમામ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે મોટિવેટ કર્યા હતાં.
પિતાના અવસાનના મુશ્કેલ સમયે વચ્ચે પણ એ-વન મેળવ્યો
પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ સંકુલમાં અભ્યાસ કરતી અંકિતા શર્માએ એવન ગ્રેડ મેળવ્યો છે. અંકિતાના પિતાનું અવસાન ધોરણ 12ના અભ્યાસ દરમિયાન થયું હતું. છતાં હિંમત હારી નહોતી. શાળા દ્વારા સતત મોટિવેટ કરવામાં આવતી હતી. પિતાના અવસાન બાદ પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માતા અને બહેન કામ કરતાં હતાં. ઘર કામની સાથે સાથે અંકિતા અભ્યાસનું પણ ધ્યાન રાખતી હતી. અંકિતાએ કહ્યું કે, આજે અમારા પરિવારની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે મેં ધોરણ 12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેની મને ખૂબ જ ખુશી છે. મારું આ પરિણામ મારા સ્વર્ગવાસી પિતાને સમર્પિત કરું છું.








