માતા-પિતા ખાસ ધ્યાનથી વાંચે, સુરતમાં મોબાઈલ જોતું બાળક સિક્કો ગળી જતાં ફેફસાં વચ્ચે નળીમાં અટકાયો
હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમત

હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે. પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે. ત્યારે મોબાઈલમાં રમતા અને વીડિયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહિં મોબાઈલ જોતું બાળક મોંમા રાખેલો સિક્કો ગળી ગયો હતો. જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
છ વર્ષનું બાળક મુશ્કેલીમાં
બાળકની માતા સંગીતાદેવીએ કહ્યું કે, મારું બાળક છ વર્ષનું છે. મોબાઈલ જોતો હતો સાથે મોંમા સિક્કો રાખ્યો હતો. જે ગળી ગયો હતો. સૌ પ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતાં. પરંતુ તબીબોએ કહ્યું કે, તેને સિવિલ લઈ જાઓ. એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અહિં તેનો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઓપરેશન હાથ ધરાયું
સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, બાળકને ઈમર્જન્સીમાં લાવવામાં આવ્યું હતું. તાત્કાલિક તેનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો. જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે. ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જો કે, બાળકોને સિક્કા કે મોબાઈલ આપતાં પહેલા દરેક માતાપિતાએ સાવધાની દાખવવી જોઈએ.








