છોટાઉદેપુર: નગરપાલિકાના રોડ ઉપર પાકા દબાણો તોડી દેવાયા, પુરાવા ન હોવાથી દુકાનો પર ફર્યું બુલડોઝર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નગરપ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નગરપાલિકાના રોડ ઉપર 6 જેટલા કેબીનોના પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાનથી આવીને બે પરિવારોએ 60 વર્ષ પહેલા બોડેલીમાં વસવાટ કર્યો હતો અને તે વખતે ગ્રામ પંચાયતે દુકાનો બનાવવા માટે જગ્યા આપી હતી, પરંતુ તેઓ આધાર પુરાવા નગરપાલિકાને ના આપતા નગરપાલિકાએ અહીં બુલડોઝર ફેરવી દીધું હતુ.
નગરપાલિકા બનતાની સાથે જ દબાણો ઉપર પહેલું બુલ્ડોઝર ફર્યું
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસર ઊભા રહીને દબાણોનો સફાયો બોલાવ્યો હતો. આ જગ્યા ઉપર ભારે ટ્રાફિક જામ રહેતું હતું અને નગરપાલિકા બનતાની સાથે જ દબાણો ઉપર પહેલું બુલડોઝર ફર્યું છે.
"વૈકલ્પિક જગ્યા આપ્યા વગર દબાણો તોડી નાખ્યા"
જ્યારે દુકાન માલિકોનું કહેવું છે કે, અમને વૈકલ્પિક જગ્યા આપવાની હતી પરંતુ તંત્ર એ અમને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર દબાણો તોડી નાખ્યા છે. જેમાં એક વિધવા મહિલાની પણ દુકાન તોડી નાખવામાં આવી હતી. આ મહિલાનો આક્ષેપ છે કે, દબાણ તોડતા પહેલા નગરપાલિકાએ એમને જગ્યા ફાળવવી જોઈતી હતી ત્યાર બાદ દુકાન તોડવાની જરૂરિયાત હતી. આ સ્થિતિનું નિર્માણ થતા પાકિસ્તાનથી આવેલા બે સિંધી પરિવારો હાલ તો ધંધા રોજગાર વિનાના થઈ ગયા છે.







