ડેસ્ટિનેશન વેડિંગની બદલાતી પરિભાષા, ગોવા કે UK નહીં પરંતુ શિવપાર્વતીના લગ્ન સ્થાનમાં આ સુરતી યુગલે કર્યા મેરેજ
આજકાલ લગ્નના બંધને બંધાવા જઈ રહેલા યુવા હૈયાઓમાં ડેસ્ટિનેશન

આજકાલ લગ્નના બંધને બંધાવા જઈ રહેલા યુવા હૈયાઓમાં ડેસ્ટિનેશન વેડિંગનું ચલણ જોવા મળે છે. જેમાં કોઈ દરિયાકાંઠે તો કોઈ વિદેશના સારા લોકેશન પર અલગ અલગ થીમ પર લગ્ન કરતાં હોય છે. ત્યારે હવે વેડિંગ ડેસ્ટિનેશનની પરિભાષા બદલાઈ હોય તેમ ધાર્મિક સ્થળો પણ તેમાં ઉમેરાયા હોય તેવું સામે આવી રહ્યું છે. સુરતના એક યુગલનો લગ્ન સમારોહ ઉત્તરાખંડના કેદારનાથ ખાતે ધૂમધામથી યોજાયો હતો. આ એ જગ્યા હતી જ્યા ભગવાન શકર અને પાર્વતી માતાના લગ્ન થયા હતા.જોકે ડેસ્ટિનેશન વેડિંગ પાછળનું કારણ દેખાદેખી નહિ પણ પરિવારના સ્વર્ગીય વડીલની ઈચ્છા પૂર્ણ કરવાની હતી.
શંકર-પાર્વતીના અહીં લગ્ન થયેલા
નાનપુરા વિસ્તારમાં રહેતાં શૈલેશભાઈ ટેલરની પુત્રી મનસ્વીના લગ્ન સુચિત રમણભાઈ કહાર સાથે નક્કી થયા હતા.ત્યારે બન્ને પરિવારોએ આ યુગલના લગ્ન દેવભૂમી તરીકે ઓળખાતા ઉત્તરાખંડ ખાતે પવિત્ર યાત્રાધામ કેદરનાથ ખાતે કરવાનું નક્કી કર્યું હતું.11 જુલાઈના રોજ કેદારનાથની તળેટીમા જ્યા ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.એ પૌરાણિક ત્રિયુગી નારાયણ વિષ્ણુ ભગવાન મંદિર જોષી મઠ ખાતે મનસ્વી અને સુચિતના વિધિ વિધાનથી પરિણય સુત્રે બંધાયા હતાં.
પિતાની ઈચ્છા પૂર્ણ
પૌરાણિક ગ્રંથો મુજબ બ્રહ્માએ શંકર પાર્વતીના લગ્ન આ જગ્યાએ કરાવ્યા હતા.વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર એટલે ભગવાને વામન અવતાર ધારણ કરી પાર્વતીનું કન્યાદાન કર્યું હતું.આ પૌરાણિક ધાર્મિક સ્થળ પર લગ્ન યોજવા અંગે શૈલેષ ભાઈ ટેલરે કહ્યું કે, તેઓના સ્વર્ગીય પિતા કિશોરભાઈ છગનભાઇ ટેલરની ઈચ્છા હતી કે, તેમની પૌત્રીના લગ્ન આ પૌરાણિક જગ્યા પર યોજાય. ત્યારે પિતાની ઈચ્છા પૂર્ણ કરવા દીકરી મનસ્વીના લગ્નનું આયોજન ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.








