મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં આવતીકાલથી વસ્તી ગણતરીનો પ્રારંભ; જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે

ગુજરાતમાં જનગણના- 2027’નો આવતીકાલે તા. 01 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રે

Gujaratમાં આવતીકાલથી વસ્તી ગણતરીનો પ્રારંભ; જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં જનગણના- 2027’નો આવતીકાલે તા. 01 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા ગુજરાત સરકારે અનુરોધ કર્યો છે.

બે તબક્કામાં હાથ ધરાશે કામગીરી, કુલ 33 પ્રશ્નો પૂછાશે

વસ્તી ગણતરી નિયામકના જણાવ્યા મુજબ રાજ્યભરમાં આવતીકાલે તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

વરિષ્ઠ અધિકારીઓ સહિત 3.74 લાખથી વધુ નાગરિકો 'સ્વ-ગણતરી'માં જોડાયા

દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 17 મે-2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે. આમ, વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 30 મે 2026ની સ્થિતિએ કુલ 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી 3.30 લાખની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના 44 હજારના સ્વ-ગણતરી ફોર્મ હાલ પ્રક્રિયામાં છે.

1 લાખથી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝરોની ટીમ સજ્જ

રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.

16 ભાષાઓમાં એપ અને 'સ્વ-ગણતરી'નો વિશેષ વિકલ્પ

નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. 17 થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.

માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, માહિતી ન આપવા બદલ દંડની જોગવાઈ

વધુમાં, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

મદદ અને પૂછપરછ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર

જનગણના અંગે કોઈ પણ પૂછપરછ કે મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો