છલકાયેલી આંખે રક્ષાબંધનની ઉજવણી, નવસારી સબજેલમાં બંદીવાનોના કાંડે બહેનોએ બાંધી રાખડી
આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી

આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે. તો ભાઈ પણ આજીવન પોતાના બહેનનું રક્ષા કરવાના સંકલ્પ લેતો હોય છે. પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે. જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. નવસારી સબજેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાઈને જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી. જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
સવારથી બહેનો ઉમટી
નવસારી જુનાથાણા વિસ્તારમાં આવેલ સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી. સવારે 8:00 થી બપોરે 1 વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
નવસારી સબજેલમાં કેદીઓની સંખ્યા
નવસારી સબજેલમાં પાકા કામના 34, કાચા કામના 366, તો કાચા કામની 11 મહિલા કેદી મળીને કુલ 411 જેટલા કેદીઓ સજા ભોગી રહ્યા છે. જેઓ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેલ સુબેદાર ધર્મેશ ચૌધરી કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવે છે કે આજે રક્ષાબંધન સમગ્ર ભારતમાં ઉજવાઈ રહી છે, નવસારી સબજેલ ખાતે રક્ષાબંધનને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જેલની સુરક્ષા ને ધ્યાને રાખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
બહેનોએ કરી પ્રાર્થના
પોતાની લાડકવાઈ બહેનને રાખડી બાંધવા આવેલા ભાઈ અક્ષય પટેલ જણાવે છે કે મેં આજે નવસારી સબજેલ ખાતે મારી બહેને ને રાખડી બાંધવા માટે આવ્યો છું, મારી બહેનને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે અને તે વહેલી છૂટી જાય તેવી અમે પ્રાર્થના કરી છે.ભાઈને રાખડી બાંધવા આવેલી રીમ્પલબેન જણાવે છે કે આજે મેં મારા ભાઈના હાથ પર રાખડી બાંધીને મને ખૂબ જ આનંદ થયો છે જેલ તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી આવતા વર્ષે મારો ભાઈ ઘરે આવીને મારા હાથે રાખડી બાંધે તેવી મેં ભગવાનને પ્રાર્થના કરી છે








