રાજકોટમાં CBIની મોટી કાર્યવાહી, CGST ઇન્સ્પેક્ટરને અઢી લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યાં
કેન્દ્ર સરકારની તપાસ એજેન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગે

કેન્દ્ર સરકારની તપાસ એજેન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન-CBIએ રાજકોટમાં આજે મોટી કાર્યવાહી કરતા CGST ઇન્સ્પેક્ટરને અઢી લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડ્યાં છે.
CBIએ આજે ફરિયાદી પાસેથી રૂ.2.50 લાખની લાંચ લેવા બદલ CGST, રાજકોટના ઇન્સ્પેક્ટર નવીન ઢંકારની ધરપકડ કરી છે. CBIએ 03.07.2024 ના રોજ રાજકોટના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) ના આરોપી ઇન્સ્પેક્ટર સામે કેસ નોંધ્યો હતો.
આરોપ છે કે આરોપી નવીન ઢંકારે ફરિયાદી પાસેથી 2.50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી ખાનગી પેઢીના અધિકૃત મેનેજર છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદી અને પેઢીના માલિક પાસેથી તેઓ ખોટો ધંધો કરે છે અને ખરેખર માલની હેરફેર કરતા નથી તેમ કહીને લાંચની માંગણી કરવામાં આવી હતી.
આરોપી નવીન ઢંકારે ફરિયાદીને કથિત રીતે કહ્યું હતું કે જો તેણે ધંધો ચાલુ રાખવો હોય તો તેણે લાંચ આપવી પડશે, નહીં તો તેનો GST નંબર રદ્દ કરવામાં આવશે.
CBIએ છટકું ગોઠવીને આરોપી CGST ઇન્સ્પેક્ટર નવીન ઢંકારને ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરતા અને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. રાજકોટમાં આરોપી સામે તપાસ ચાલી રહી છે.








