BZ કૌભાંડ: મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જેલમાંથી છુટવા હવાતિયાં, ફરી જામીન અરજી કરી
ગુજરાતના 6000 કરોડના BZ ગ્રુપના પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી છે.

ગુજરાતના 6000 કરોડના BZ ગ્રુપના પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી છે.ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. મહત્ત્વપૂર્ણ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
જેલમાં બંધ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા
ગુજરાતના ચકચારી 6000 કરોડના BZ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી CID ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ BZમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી.
આ પણ વાંચો: BZ કૌભાંડ: 6000 કરોડ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, સરકાર અને CID ક્રાઇમ! શું આ પ્રશ્નોનો જવાબ મળશે?
શું છે સમગ્ર ઘટના?
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.








