મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: 6000 કરોડ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, સરકાર અને CID ક્રાઇમ! શું આ પ્રશ્નોનો જવાબ મળશે?

CID ક્રાઇમે નવેમ્બર 2024ના અંતમાં રાજ્યમાં સૌથી મોટા 6000 કરોડ

BZ કૌભાંડ: 6000 કરોડ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, સરકાર અને CID ક્રાઇમ! શું આ પ્રશ્નોનો જવાબ મળશે?

CID ક્રાઇમે નવેમ્બર 2024ના અંતમાં રાજ્યમાં સૌથી મોટા 6000 કરોડના કૌભાંડનો ખુલાસો કરી જાણકારી આપી હતી કે, સાબરકાંઠા સ્થિત BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક પોન્ઝી સ્કીમ છેલ્લા 4-5 વર્ષથી ચલાવવામાં આવી રહી છે જેમાં RBI કે સરકારની કોઇ પણ પ્રકારની મંજૂરી વગર રોકાણકારોને ઉંચુ વળતર ચુકવવાના નામે એક મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું. જેની જાણ CID ક્રાઇમને એક નનામી અરજી દ્વારા કરવામાં આવી હતી જેના પર કાર્યવાહી કરતા CIDએ અરવલ્લી-સાબરકાંઠા સહિત BZની સાતથી આઠ બ્રાન્ચો પર દરોડા પાડી બેનામી વ્યવહારો અને બીજા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જે બાદ CIDએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડ અંદાજિત 6000 કરોડની આસપાસનું છે. આ રકમમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચવા માટે CID ક્રાઇમને અંદાજિત 34 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ ત્યારબાદ પ્રથમ સાત દિવસના રિમાન્ડ અને ત્યારબાદ વધુ ત્રણ દિવસના રિમાન્ડ બાદ પણ CID ક્રાઇમ આ કૌભાંડની રકમ અંદાજિત 422 કરોડ સુધી જ પહોંચી છે.જોકે, 422 કરોડ અને 6 હજાર કરોડ વચ્ચેનું અંતર CID ક્રાઇમ હજુ સુધી સ્પષ્ટ કરી શકી નથી.

ત્યારે હવે સામાન્ય માણસના મનમાં આ કૌભાંડને લઇને ઉદ્દભવતા કેટલાક પ્રશ્નો GSTV સુધી પહોંચ્યા છે જેના જવાબો સુધી પહોંચવા માટે GSTV આ અહેવાલ રજૂ કરી રહ્યું છે.

  1. BZ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ગુજરાત પોલીસના હાથ ટુંકા પડ્યા હતા. વિદેશમાં હોવાની ગુલબાંગો વચ્ચે ગુજરાતમાં જ આંટાફેરા મારતો ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિસનગરના દવાડમાંથી 34 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ માટે આટલા બધા દિવસનો સમય સામાન્ય માણસને વિચારવા મુકી દે તેવો છે.જોકે, આ મામલે CIDએ કોઇ ખુલાસો કેમ કર્યો નથી?
  2. BZ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની 34 દિવસ બાદ ધરપકડ, સાત દિવસના પ્રથમ રિમાન્ડ, ત્રણ દિવસના બીજા રિમાન્ડ અને અંદાજિત 50 દિવસની તપાસ બાદ પણ CID કેમ માત્ર 422 કરોડ સુધીના કૌભાંડની માહિતી મેળવી શકી છે? જો આ કૌભાંડ અંદાજિત 422થી 500 કરોડનું જ હતું તો કોઇ પણ પ્રકારની તપાસ વગર એક નનામી અરજીના આધારે CIDએ કેવી રીતે દાવો કર્યો કે આ કૌભાંડ 6000 કરોડનું છે? શું CIDના અધિકારીઓને આ કૌભાંડનો અંદાજ લગાવવામાં ભૂલ પડી કે પછી ભૂલ પાડવામાં આવી?
  3. BZ કૌભાંડની તપાસ હજુ સુધી પૂર્ણ થઇ નથી.જો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ અને રિમાન્ડ પૂર્ણ થઇ ગયા હોય તો આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય એજન્ટો અને મળતિયાઓની હજુ સુધી ધરપકડથી દૂર કેમ? ગણતરીના કલાકોમાં કોઇ પણ ગુનાના આરોપીને ઝડપી પાડતી પોલીસ કે CIDના હાથ આ સમગ્ર પ્રકરણમાં કેમ ટુંકા પડી રહ્યાં છે?
  4. BZ કૌભાંડની તપાસનો અહેવાલ કે ચાર્જશીટ હજુ સુધી કરવામાં આવી નથી કે આ કૌભાંડમાં નામદાર કોર્ટે કોઇ પણ પ્રકારનો આદેશ જાહેર કર્યો નથી તો  CID ક્રાઇમે રોકાણકારોના રૂપિયા પરત કરવાની જાહેરાત કેમ કરી? રોકાણકારોના રૂપિયા પરત કરવાની જાહેરાત રાજ્યના ઓફિશિયલ સત્તાધીશોએ કરવાની જગ્યાએ CID ક્રાઇમે જ કેમ કરી?
  5. BZ કૌભાંડમાં રોકાણકારો તરીકે સૌથી વધુ સરકારી કર્મચારીઓના નામ ચર્ચાય છે ત્યારે આ સરકારી કર્મચારીઓની આવી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી ઊંચુ વળતર મેળવવાની લાલચમાં આવી લાખોથી કરોડો રૂપિયા રોકાણ કર્યા હતા. ત્યારે રોકાણકારો આ રૂપિયા ક્યાંથી લાવ્યા તે મામલે CID ક્રાઇમ કે આવકવેરા વિભાગ શું કોઇ કાર્યવાહી કરશે?
  6. BZ ગ્રુપના કૌભાંડ મામલે મુખ્ય આરોપીની ધરપકડ સુધી કેસમાં દેખાતી ધીમી તપાસ ધરપકડ બાદ અચાનક જ રોકાણકારોના રૂપિયા પરત કરવા સુધીની ઝડપી કાર્યવાહી કેસને નબળો પાડશે? અત્યાર સુધી CID આ કેસમાં 11 હજાર કરતા વધુ રોકાણકારોનો આંકડો જણાવી રહી છે ત્યારે CID ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સમાં રોકાણકારોના 172 નિવેદનો જ મળ્યા છે તેવું કહી શું સંદેશ આપવા માંગે છે? કૌભાંડમાં બાકીના અંદાજિત 10 હજાર રોકાણકારો સુધી CID કેવી રીતે પહોંચશે તે પણ યક્ષ પ્રશ્ન છે?
  7. CID ક્રાઇમ દ્વારા મોટા ઉપાડે BZ કૌભાંડમાં પીડિત બનેલા રોકાણકારોને રૂપિયા પરત કરવા અંગે કરાયેલી જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ આજ સુધી ગુજરાતમાં થયેલા પોન્ઝી સ્કીમ કૌભાંડોના કેટલા કેસોમાં રોકાણકારોને રૂપિયા પરત કરવામાં આવ્યા છે?
  8. ગુજરાતમાં 6000 કરોડની પોન્ઝી સ્કીમને લઇને CID ક્રાઇમ દ્વારા આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડથી લઇને રોકાણકારોના રૂપિયા પરત કરવા સુધીની કાર્યવાહીમાં સરકારનું ભેદી મૌન શંકાના દાયરામાં છે. આ કૌભાંડમાં ક્રિકેટરોથી લઇને રાજકારણીઓ અને નેતા પુત્રોના પણ નામ સામે આવી ચુક્યા છે ત્યારે શું તેમની પર કોઇ કાર્યવાહી થશે કે કેમ તે અંગે સરકાર કે ગૃહ વિભાગ દ્વારા કોઇ ખુલાસો કરવામાં આવતો કેમ નથી?
  9. ગુજરાતમાં BZ પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની 34 દિવસ સુધી ધરપકડ ના થવી શંકાના ઘેરામાં છે ત્યારે રાજ્યના પોલીસ વિભાગ અને CIDમાં અધિકારીઓની બદલી બાદ અચાનક જ ઝાલાની ધરપકડ પણ બ્યુરોક્રેટ્સમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે શું આ કૌભાંડ પાછળ કોઇ મોટા બ્યુરોક્રેટ્સ કે રાજકીય ખેલાડીનો હાથ હતો કે કેમ તેનો ખુલાસો થશે?

આ સમાચાર શેર કરો