BZ કૌભાંડ: ‘ઓફિસના બોર્ડના આધારે CIDએ ફરિયાદ કરી’, ભુપેન્દ્રસિંહની જામીન અરજી પર સુનાવણી મોકૂફ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GR

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ એકઠા કરીને શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
ઓફિસનું ઓપનીંગ પણ કર્યું નથી અને મારી સામે ફરિયાદ - કે.કે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલ
BZ કૌભાંડની તપાસમાં આ કૌભાંડ સાથે જોડાયેલ 3 ફાયનાન્સ કંપનીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદમાં 3 ફાયનાન્સ કંપનીઓ આર.કે એન્ટરપ્રાઇઝ, હરસિધ્ધિ ફાયનાન્સ અને કે.કે એન્ટરપ્રાઇઝના સીઈઓના તાર BZ ગ્રુપ સાથે જોડાયેલા છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. જેમાં આરોપ છે કે આ કંપનીઓ રોકાણકારોને લાલચ આપી ઊંચા વ્યાજના નામે BZ ગ્રુપમાં રોકાણ કરાવતા હતા. જો કે ફરિયાદ બાદ આર.કે એન્ટરપ્રાઇઝ અને હરસિધ્ધિ ફાયનાન્સના સીઈઓ સહિતના લોકો ભૂગર્ભના ઉતરી ગયા છે ત્યારે મોડાસા કે.કે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલ મીડિયા સામે આવ્યા છે અને જણાવ્યું કે, ‘BZ ગ્રુપનો પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારું નાણાં ધીરનારનું કામકાજ છે, જેનું મારી પાસે લાયસન્સ પણ છે. હજુ મે મારી ઓફિસનું ઓપનીંગ પણ કર્યું નથી. માત્ર ઓફિસના બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ દાખલ કરી દીધી છે. હું લાયસન્સ અને દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઈમ પાસે જઈ રહ્યો છું. ખોટી રીતે મારી કંપનીની સંડોવણી BZ ગ્રુપના કૌભાંડ સાથે બતાવાઈ છે.’
ભુપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ
BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડી સંચાલક ભુપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં 6 ડિસેમ્બરે થનાર સુનાવણી મોકૂફ રહી છે. આગામી સુનાવણી 9 ડિસેમ્બર સોમવારનાં રોજ વધુ સુનવણી હાથ ધરાશે. CID દ્વારા સમગ્ર કૌભાંડના પર્દાફાશ બાદ BZ ગ્રુપનો સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ભુપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને ભાગી ના જાય તેને લઈને CIDએ ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લૂક આઉટ નોટિસ પણ જાહેર કરી છે.
પકડાયેલા એજન્ટોએ કોર્ટમાં જામીન અરજી કરી
રાજ્યભરમાં રોકાણના નામે 6000 કરોડના કૌભાંડ કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ પહોંચ્યા કોર્ટના શરણે પહોંચ્યા છે. મુખ્ય આરોપી પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા કામ હતા. રાજ્ય સરકારે તમામ પાંચ આરોપીઓની જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. રોકાણકારો પાંચ લાખનું રોકાણ કરે તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને દસ લાખ રોકાણ કરે તો માલદીવ, બાલીની વિદેશ ટૂર અથવા ગોવાના પ્રવાસની લાલચ આપતા હતા. રોકાણ કર્યા બાદ મોંઘીદાટ ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરવામાં આવતી હતી.
BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ
CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.








