મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાની કબૂલાત; 11,000 રોકાણકારોએ કર્યું હતું રોકાણ, 4 ફોન, 3 સીમકાર્ડ અને 17 બ્રાન્ચનો ખુલાસો

BZ કૌભાંડ મામલે સી.આઈ.ડી.ક્રાઈમ કુલ 7 આરોપીઓને અટક કરવામાં આવી છે. ત્યારબાદ તા. 28/12/2024એ

BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાની કબૂલાત; 11,000 રોકાણકારોએ કર્યું હતું રોકાણ, 4 ફોન, 3 સીમકાર્ડ અને 17 બ્રાન્ચનો ખુલાસો

BZ કૌભાંડ મામલે સી.આઈ.ડી.ક્રાઈમ કુલ 7 આરોપીઓને અટક કરવામાં આવી છે. ત્યારબાદ તા. 28/12/2024એ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અટક કરી તા.04/01/2025 સુધીના દિન- 7 ના રીમાન્ડ મંજુર થયા છે.

કેટલા રોકાણકારોએ કેટલું રોકાણ કર્યું

સી.આઈ.ડી.ક્રાઈમે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને કુલ કેટલા રોકાણકારોએ કેટલુ રોકાણ કરેલ છે તે બાબતે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામા આવતી હતી અને આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કરેલ હોવાની વિગત મળી આવી છે.

ક્યાં સંતાયેલો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા?

આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની વિરૂધ્ધમાં તા.27/11/2024એ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરી રાજસ્થાન આશરે 15 દિવસ રોકાયો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે તેના જુના 4 મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદ કરી તેમા નવા 3 સીમકાર્ડ મેળવી જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરેલ હોવાની વિગત મળી આવી છે.

17 શાખાઓ, 17 થી 18 મિલ્કતો વસાવી

આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમંતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા  (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે, તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ આશરે 17 થી 18 મિલ્કતો વસાવેલ હોવાની વિગત રીમાન્ડ દરમ્યાન જણાવેલ છે.

આ ગુનાના આરોપીઓ અને તેઓના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલ એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.

ભૂપેન્દ્રનું લોકેશન કેવી રીતે મળ્યું?

ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા તેનું (ભૂપેન્દ્ર) લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના CA ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા પણ ઝડપાયો છે. હવે, આ તમામની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમાં મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આજે CID દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.

તો બીજી તરફ BZ કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફરાગી દીધી છે.

ફરિયાદના 34માં દિવસે થઈ ધરપકડ

BZ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો. તેણે ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી. ભૂપેન્દ્રની ધરપકડ બાદ હવે તેને આશરો આપનાર કોણ છે અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે સહિતની તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹ 4 કરોડથી વધુ ઉઘરાવ્યા

BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.

સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન

BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.

1) રાહુલ રાઠોડ... જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.

2) વિશાલ ઝાલા... જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.

3) રણવીર ચૌહાણ... જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.

4) સંજય પરમાર... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.

5) દિલીપ સોલંકી... જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે.

6) આશિક ભરથરી... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે.

BZ સાથે સંકળાયેલ દલાલોની યાદી અને દસ્તાવેજો મળ્યા

BZ કૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં કમિશન પર રોકાણ લાવતા જમીન દલાલોની યાદી મળી આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીઝેડ ફાઈનાન્સના નામે કંપની ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ફરાર ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. પરંતુ, સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજોમાં અનેક એજન્ટોના નામ મળ્યા હતા. મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા જમીન દલાલોને રોકાણ લાવવા પર પાંચ થી દસ ટકા કમિશન આપતો હતો જેમાં અનેક એજન્ટ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરના જમીન દલાલો હોવાની વિગતો ખુલી છે. ભુપેન્દ્રસિંહ તેમને રોકાણ લાવવા પર 10 ટકા સુધી કમિશન આપતો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીઝેડ લોકોને રોકાણ લાવવા પર 10 ટકા કમિશન ઉપરાંત, પ્રવાસ, મોબાઈલ ફોન સહિતની ભેટ આપવાની લાલચ આપી હતી. પોલીસને બીઝેડ માટે કામ કરતા 30 જેટલા મોટા જમીન દલાલોની યાદી મળી છે. જેમણે 50 કરોડથી વધારે રકમ ફાઈનાન્સના નામે અનેક કંપનીઓ શરૂ કરીને રોકાણ પર બમણું વળતર આપવાનું કહીને છ હજાર કરોડ રૂપિયાની છેતરપિડીં આચરવાના કૌભાંડમાં પોલીસે અનેક એજન્ટો તેમજ માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ગાલા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધી અનેક મોટા ખુલાસા થયા છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહે વધુને વધુ રોકાણ લાવવા માટે જમીન દલાલી સાથે સંકળાયેલા ભુપેન્દ્રસિંહને આપી હતી. આ જમીન દલાલો અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને મહેસાણના હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્રસિંહ આ રકમ સીધી બીઝેડના એકાઉન્ટમાં લેવાને બદલે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને રોકડમાં લેતો હતો. જ્યારે મોટાભાગના વ્યવહારો બિલ્ડરના એકાઉન્ટમાં થયા હતા, ત્યારે જમીન દલાલ એજન્ટોની પુછપરછમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા છે.

BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ  CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.

માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.

'કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે' - BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું હતું કે, “BZ નામે ચાલતા જે પોન્ઝી સ્કીમ છે, કોઇ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈપણ ફરિયાદ વગર આ પ્રકારે જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ હોય કેવા પણ વ્યક્તિ હોય, રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના કૌભાંડને ધ્યાન પર આવતા CID ક્રાઇમ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. નાગરિકોનું અહિત કરતા હોઈ તેવા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે.”

કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’

4 કંપનીઓ, રૂ. 360 કરોડની તપાસ, 52 કરોડના ટ્રાન્જેક્શન -  સી.આઇ.ડી.ક્રાઇમ

સી.આઇ.ડી.ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભુપેંદ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે ગુનાની તપાસ હાલ ચાલી રહેલ છે. ભુપેંદ્રસિંહ ઝાલા દ્વારા (1) BZ FINANCIAL SERVICE (2) BZ INTERNATIONAL BROKING PRIVATE LTD (3) BZ PROFIT PLUS (4) BZ MULTI TRADE આમ કુલ 4 કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ થયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપીયાનું રોકણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળ્યા છે.

CID ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાની ફકત એક જ બ્રાચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શન કુલ રૂપીયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનું સામે આવ્યું છે.

આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલ્કતો વસાવી છે, જે મિલ્કતોની બજાર કિંમત આશરે 10 કરોડથી વધુની થાય છે. જે મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ વસાવેલ વૈભવી અને મોઘીડાટ ગાડીઓ (1) Volvo Modal No.XC90 (2) Mercedes (3) Porsche car તથા આરોપી મયુર દરજીની FORTUNER અને HARRIER XT તમામ ગાડીઓ કબ્જે કરી છે જેની કિંમત આશરે 09 કરોડથી પણ વધારે છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.

આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7 થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.

BZ કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

જો કે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ‘BZ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે. BZ પ્રકરણના શિક્ષકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કીમમાં કોઈ શિક્ષણ જોડાયેલ હશે તો તેમને છોડવામાં નહીં આવે. શિક્ષક એન્જટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરશે. પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે.’

શિક્ષકોની સંડોવણી સમયે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી

ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’

અલગ અલગ જિલ્લાઓમાં BZ ગ્રુપ વિરુદ્ધ નોંધાઈ રહી છે ફરિયાદ

CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડના પર્દાફાશ બાદ આ પોન્ઝી સ્કીમમાં હજારો રોકાણકરો હવે છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેને લઈને BZ ગ્રુપ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરિયાદ નોંધાઈ રહી છે. અત્યારસુધીમાં bz ગ્રુપ અને ભુપેન્દ્રસિંહ ઝાલા સામે પાટણ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠામાં 4થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આવનાર સમયમાં આ કૌભાંડ મામલે વધુ ફરિયાદો નોંધવાની શક્યતાઓ છે જેને લઈને CID ક્રાઈમ સતર્ક બન્યું છે. 

11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો