BZ કૌભાંડમાં મોટા સમાચાર : CID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી કરી ધરપકડ
BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસ

BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહને લઈને ગાંધીનગર રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. કૌભાંડ સામે આવ્યાં ત્યાર બાદથી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ફરિયાદના 34માં દિવસે ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે. સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો.
4 કંપનીઓ, રૂ.360 કરોડની તપાસ, 52 કરોડના ટ્રાન્જેક્શન - CID ક્રાઈમ
CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભુપેંદ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે ગુનાની તપાસ હાલ ચાલી રહેલ છે. ભુપેંદ્રસિંહ ઝાલા દ્વારા (1) BZ FINANCIAL SERVICE (2) BZ INTERNATIONAL BROKING PRIVATE LTD (3) BZ PROFIT PLUS (4) BZ MULTI TRADE આમ કુલ 4 કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ થયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપીયાનું રોકણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળ્યા છે.
CID ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાની ફકત એક જ બ્રાચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શન કુલ રૂપીયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનું સામે આવ્યું છે.
આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલ્કતો વસાવી છે, જે મિલ્કતોની બજાર કિંમત આશરે 10 કરોડથી વધુની થાય છે. જે મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ વસાવેલ વૈભવી અને મોઘીડાટ ગાડીઓ (1) Volvo Modal No.XC90 (2) Mercedes (3) Porsche car તથા આરોપી મયુર દરજીની FORTUNER અને HARRIER XT તમામ ગાડીઓ કબ્જે કરી છે જેની કિંમત આશરે 09 કરોડથી પણ વધારે છે.
BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.
માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.








