Video: હેક્ટરદીઠ રૂ. 8500 સહાય ખેડૂતો સાથે ક્રૂર મજાક; નિર્ણય નહીં બદલાય તો 12 નવેમ્બરે આંદોલન, દુષ્કાળ સહાયના નિર્ણય સામે પાલ આંબલિયા મેદાને

ગુજરાતના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના સરકારના નિર્ણય બાદ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયના મુદ્દે કિસાન નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે હેક્ટરદીઠ રૂ. 8,500ની સહાયને ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી સરકારને આર્થિક સહાય અંગેના નિર્ણય પર પુનર્વિચારણા કરવાની ભલામણ કરી છે. જો સરકાર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો આગામી 12 નવેમ્બરે ખેડૂતોના હિતમાં લડતનું રણશિંગુ ફૂંકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
પાલ આંબલિયાના જણાવ્યા મુજબ, દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં ખેડૂતોને માત્ર આર્થિક સહાય આપવી પૂરતી નથી. દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે જરૂરી પગલાં ભરવા જોઈએ. તેમણે સરકારને સહાયની રકમ વધારવા અને ખેડૂતોને પૂરતી રાહત મળે તે દિશામાં નિર્ણય લેવા અપીલ કરી છે.
દુષ્કાળગ્રસ્ત જાહેર થયા બાદ સરકારે કયાં પગલાં લેવાં જોઈએ?
પાલ આંબલિયાએ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારાં પગલાં અંગે રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ, સરકારે નીચે મુજબની વ્યવસ્થાઓ કરવી જોઈએ.
ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું: હાલ ખેડૂતો પર વધુમાં વધુ રૂ. 3 લાખ સુધીનું પાક ધિરાણ હોવાનો ઉલ્લેખ કરી તેમણે ધિરાણ માફ કરવાની માગ કરી છે.
ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવાં: દર 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવાં જોઈએ.
રાહતકામો શરૂ કરવાં: દુષ્કાળથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે રાહતકામો શરૂ કરવાં જોઈએ.
પાંજરાપોળ શરૂ કરવાં: પશુઓ માટે ઘાસચારા અને આશ્રયની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી: અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પગલાં લેવાં જોઈએ.
ગૌશાળાઓને સહાય આપવી: રજિસ્ટર્ડ ગૌશાળાઓમાં પશુદીઠ દૈનિક સહાય પૂરી પાડવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોની સાથે પશુપાલકો અને પશુઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સરકારની રાહતનીતિમાં આ તમામ પાસાંને આવરી લેવા જરૂરી છે.
પાક વીમા યોજનાને લઈને સરકાર પર પ્રહાર
પાલ આંબલિયાએ પાક વીમા યોજનાના મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી. તેમના દાવા મુજબ, અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન દુષ્કાળના વર્ષોમાં ખેડૂતોને 150 ટકા સુધીનું પાક વીમા વળતર મળતું હતું. તેમણે આક્ષેપ કર્યો કે વર્તમાન સરકારે પાક વીમા યોજના બંધ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પાક વીમા યોજના ઉપરાંત SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ પણ ખેડૂતોને સહાય મળતી હતી. આમ, ખેડૂતોને બંને યોજનાઓનો લાભ મળતો હતો. તેમના મતે, હાલની સહાયની રકમ ખેડૂતોને થયેલા નુકસાનની સરખામણીએ પૂરતી નથી.
નિર્ણય નહીં બદલાય તો 12 નવેમ્બરે આંદોલન
હેક્ટરદીઠ રૂ. 8,500 અને બે હેક્ટરની મર્યાદામાં અપાતી સહાયને પાલ આંબલિયાએ ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી છે. તેમણે સરકારને આર્થિક સહાયના નિર્ણય પર પુનર્વિચારણા કરી ખેડૂતોને વધુ રાહત આપવા માગ કરી છે.
જો સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં બદલે તો 12 નવેમ્બરે લડતનું રણશિંગુ ફૂંકવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સરકાર સહાયની રકમમાં ફેરફાર કરે છે કે નહીં અને ખેડૂતોની અન્ય માગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.















