એક લાખમાં કરેલા લગ્ન એક દિવસ જ ટક્યા, હળવદમાં લગ્નના બીજા દિવસે જ દુલ્હન રફુચક્કર થઇ
હળવદના ચરાડવા ગામના 40 વર્ષીય યુવાનના લગ્ન ટંકારાના જીવાપર ગામે કરાવી 1 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા

હળવદના ચરાડવા ગામના 40 વર્ષીય યુવાનના લગ્ન ટંકારાના જીવાપર ગામે કરાવી 1 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા. બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડીને જતી રહી હતી. આ કિસ્સામાં મહિલા સહિત ત્રણ વ્યક્તિએ લગ્ન કરાવી એક લાખ પડાવી રૂપિયા લઇને છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
એક લાખમાં કરેલા લગ્ન એક દિવસ જ ટક્યા
હળવદના ચરાડવા ગામમાં રહેતા મુકેશ સોલંકીએ આરોપીઓ મુકેશ ચાવડા, તુલશીબેન ગોસાઇ અને જોશના બહેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના માતા પુંજીબેન મામાને ઘરે ગયા હતા જ્યાં મોટી બહેન મંજુબેનના જેઠના દીકરા મુકેશ ચાવડાને મળ્યા હતા અને દીકરા માટે સારો સંબંધ હોય તો બતાવવા કહ્યું હતું. તે બાદ એક છોકરી માતા-પિતા વિનાની છે, માસી સાથે રાજકોટ રહે છે તેમ જણાવ્યું હતું.
એક લાખમાં કરેલા લગ્ન એક દિવસ જ ટક્યા
બાદમાં યુવાન તેના પરિવાર સાથે છોકરીને જોવા ગયો હતો. એકબીજાને ગમતા ત્યારે જ ચાંદલા કર્યા અને ફોટો પાડ્યા હતા. તેમજ સામાપક્ષે કાલે ફૂલહાર કરી લઇએ તેમ કહેતા યુવાનના પરિવારે કુટુંબને જાણ કરવી પડશે તેમ કહ્યું હતું. માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઇએ કહ્યું કે લગ્નમાં ત્રણ તમે ચાર જણા હશો તો પણ ચાલશે. બાદમાં ઇકો ગાડીમાં લગ્ન કરવા માટે તેઓ 29 નવેમ્બરે નીકળ્યા હતા. સામાપક્ષે રાજકોટ આવો ત્યાં મંદિરમાં લગ્ન કરી દેવાનું કહ્યું હતું. યુવાન તથા તેનો પરિવાર મોરબી પહોંચતા ફરી ફોન આવ્યો હતો અને તમે ટંકારાના જીવાપર ગામે આવો જ્યાં મેલડી માતાજી મંદિર છે ત્યાં લગ્ન કરવાના છે તેમ કહેતા તેઓ જીવાપરના મંદિરે પહોંચતા બધા લોકોની હાજરીમાં તુલસીને ચાંદીનું મંગલસૂત્ર,નાકનો સોનાનો દાણો પહેરાવી લગ્ન કર્યા હતા જેના ફોટો પાડ્યા હતા અને વાત થયા મુજબ 1 લાખ રૂપિયા મોટા બનેવી પાલજીભાઇ ચાવડાએ મુકેશ જીવાને આપ્યા હતા જે 1 લાખ મુકેશે જોશનાબેનને આપ્યા હતા.
આ પણ વાંચો: દીકરીના સાસરામાં રહેવું ક્રૂરતા છે, હાઈકોર્ટે પતિને છૂટાછેડા માટે આપી મંજૂરી
લગ્ન બાદ તુલસી સાથે ઘરે ચરાડવા ગામ આવ્યા હતા અને ગૃહ પ્રવેશ વિધિ કરી હતી. બાદમાં બીજા દિવસે 30 નવેમ્બરે તુલસીએ માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઇ મોરબી દવાખાને આવ્યા છે અને તેને પાછા પગ વાળવા માટે જવું છે, તમે મને મોરબી મુકી જાવ કાલે રાજકોટ આવી તેડી જજો તેમ કહેતા યુવાન તેને મોરબી જુના બસ સ્ટેશન મુકી આવ્યો હતો.
તુલસી બસમાં બેસી રાજકોટ જતી રહી હતી. બાદમાં તુલસીને ફોન કરી તેડવા આવું છું તેમ કહેતા અત્યારે જામનગર બહેનના ઘરે ગઇ છું, બપોર પછી તેડવા આવજો તેમ કહ્યું હતું. યુવાન માસી જોશનાબેનના ઘરે ગયો ત્યાં તાળું માર્યું હતું અને માસીને ફોન કર્યો તો તમારે અહી આવવું નહિં અને મને ફોન કરવો નહિં,તમે જાણો અને તમારી તુલસી જાણે કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તુલસીને ફોન કરતા નંબર બ્લોક કરી નાખ્યો હતો. આમ છેતરપીંડી થયાની જાણ થતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








