સુરતની સિવિલ હોસ્પિટલમાંથી રમતું બાળક ગુમ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો કામે લાગી
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું. વોર્ડમાં દાખલ દર્દીને મળવા

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું. વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો 3 વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડ બહારથી રમતા-રમતા ગુમ થઈ ગયો હતો. પરિવાર સિક્યુરિટી ઓફિસમાં ગયા હતાં. ઈન્ચાર્જે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ટેન્ડેન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું. સુપ્રિન્ટેન્ડેન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી. અરજી લખી આપવાનું કહેતાં આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મેં ડીસીપીને સૂચના આપી છે. વધુ ટીમો લગાવીને બાળકને શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત કરાશે.
સીસીટીવીના આધારે તપાસ
રાજેશ પટેલ મંગળવારે બપોરે પત્ની અને 3 વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે જી-1 વોર્ડમાં સંબંધીની ખબર અંતર પૂછવા આવ્યા હતા. દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો. ત્યારે ગુમ થઈ ગયો હતો. સુપ્રિન્ટેન્ડેન્ટે અરજીની જીદ પકડી રાખી હતી. આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસ, ક્રાઈમબ્રાંચ, એસઓજી, પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે.
મહિલા બાળકને લઈને જતી દેખાઈ
પોલીસે ફૂટેજ ચેક કરતા 3:50 કલાકે એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી. આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડીંગવાળા રસ્તે બાળકને લઈ બહાર નીકળી ગઈ હતી. આ જ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા. જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત.








