સુરતમાં સમૂહ લગ્નમાં રક્તદાનની સાથે અપાયો નવો વિચાર, વ્યસન મુક્ત સમાજ માટે કરાઈ હાંકલ
સુરતમાં સમૂહ લગ્નમાં સમાજને કંઈક નવો વિચાર અપાતો હોય છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા નવારિંગ રોડ પરના રતન ફાર્મમાં

સુરતમાં સમૂહ લગ્નમાં સમાજને કંઈક નવો વિચાર અપાતો હોય છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા નવારિંગ રોડ પરના રતન ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ "દીકરી દેવો ભવ-2"નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતથી શરૂ થયેલા લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ખોટા ખર્ચ બંધ કરવા અને વ્યસન મુક્ત સમાજની હાંકલ કરવામાં આવી હતી.
6 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં
આ લગ્નોત્સવમા ૬ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ પ્રસંગે ગણેશભાઈ ઘેવરીયાએ સમુહ લગ્નનુ મહત્વ સમજાવ્યુ હતુ. વ્યસનમુક્તિ માટેની અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરીએ આગળ વધવાની સલાહ આપી હતી. તેમજ દેપલા ગામના વડીલ એવા ડોક્ટર બાબુભાઈ ધોળીયા તથા ઓધવજીભાઈ શિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા. દેપલા ગામની ત્રણ તેજસ્વી બાળાઓ દ્વારા પ્રેરક પ્રવચન આપવામા આવ્યા હતાં.
ગામના રત્નોના સન્માન કરાયા
રમેશભાઈ ધોળીયાએ વડીલોનો આદર-સત્કાર અને ભાવનાત્મક બાબતો સામાજિક રીતની સમજણ આપી હતી. મયુર અશોકભાઈ ધોળીયાએ યુવાનોને પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વાસ્થ્યને અનુરૂપ ફેફસાની તંદુરસ્તી માટે ડોક્ટર ચંદ્રકાંત ઘેવરીયાએ વિસ્તૃતમાં માહિતી આપી હતી. લગ્નોત્સવમા રક્તદાન શિબિરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાજે ગામનું ગૌરવ કહી શકાય અને નોકરી ધંધામાં સેવા આપતાં લોકોના તથા દાત્તાઓના વિશેષ સન્માન કરવામાં આવ્યાં હતાં.








