સુરત : આહિર સમાજનો 31મો સમૂહલગ્ન સમારોહ, 189 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા
સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 189 નવદં

સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 189 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વચન આપ્યા હતા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઈતિહાસ રહેલો છે. સમાજને જયાં પણ જરૂર હશે ત્યા સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને શિક્ષણથી લઈને અનેકક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે. દરેક સમાજ સમુહલગ્નમાં જોડાયો છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સમૂહલગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ છે. આશરો તો આહીરનો એ સમાજની આગવી ઓળખ રહી છે. સૌ સમાજ આગળ વધે તે માટે વડાપ્રધાને સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો મંત્ર આપ્યો છે.
આહિર સમાજ સેવા સમિતિ- સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે 31મા સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે જે બદલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા હતા. વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ સાત કરોડની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે 31માં સમુહ લગ્નના ભોજન ખર્ચના દાતા વરજાંગભાઈ જીલરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમૂહલગ્નોત્સવમાં રામકથાકાર મોરારજી બાપુ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, બિહારના ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી સંતોષકુમાર, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન આહિર, અગ્રણી ભરતભાઈ ડાંગર, રઘુભાઈ હુંબલ, ડાહ્યાભાઈ, સહિત સમાજશ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








