મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ભાજપના 'દબંગ' MLAએ ફરી બાંયો ચડાવી, પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો કર્યો આરોપ

રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર ક

સુરત ભાજપના 'દબંગ' MLAએ ફરી બાંયો ચડાવી, પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો કર્યો આરોપ

રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસવારે બાંયો ચડાવતા જોવા મળતાં હોય છે. ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતાં કુમાર કાનાણીએ કહ્યું કે, બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. કોઈ નિરાકરણ આવતું નથી. સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે. લોકોના કામ થતાં નથી.

અધિકારીઓ ગાંઠતા ન હોવાની રજૂઆત

વરાછાના ધારાસભ્ય કુમારે સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો. વરાછા ઝોન-બી સરથાણા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો. સરથાણા ઝોન ઓફિસ વચેટીયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનું પણ કહ્યું હતું. અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. 

અધૂરા કામ પૂર્ણ કરવાની રજૂઆત

કુમાર કાનાણીએ કહ્યું કે, જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ, કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે? અધિકારીઓ ગાંઠતા નથી. અધૂરો રીંગરોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રિસ્ટ્રકચરીંગ કરવાની રજૂઆત કરી હતી. વર્ષોથી અમે ખાડી-ખાડી કરીએ છીએ પરંતુ, અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો