કચ્છમાં ભાજપ નેતાઓની દાદાગીરી, પોલીસ અને વહીવટી અધિકારીઓને જાહેરમાં બેફામ ગાળો દીધી
Kutch News : કચ્છના મુન્દ્રામાં ભાજપ નેતાઓની દાદાગીરી સામે આવી છે. સંસ્કારી ગણાતી

Kutch News : કચ્છના મુન્દ્રામાં ભાજપ નેતાઓની દાદાગીરી સામે આવી છે. સંસ્કારી ગણાતી આ પાર્ટીના નેતાઓએ જાહેરમાં મવાલીઓ જેવું વર્તન કર્યું છે અને પોલીસ તેમજ વહીવટી અધિકારીઓને જાહેરમાં બેફામ ગાળો દીધી છે.
કચ્છના મુન્દ્રામાં દબાણ હટાવવા અને ન હટાવવા મુદ્દે વહીવટી તંત્રના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સામસામે આવી ગયા હતા. મુન્દ્રામાં દબાણ હટાવવા મુદ્દે ક્યાં દબાણ હટાવવા અને ક્યાં ન હટાવવા એ મુદ્દે વિવાદ થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોર સિંહ પરમાર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પ્રણવ જોશી દબાણ હટાવવાની જગ્યાએ પહોંચ્યા હતા અને વિરોધ કરી ધરણા પર બેસી ગયા હતા. આ ભાજપ નેતાઓએ જાહેરમાં વહીવટી તંત્રના અધિકારીઓ, SDM, મામલતદાર, પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા અને જાહેરમાં બેફામ ગાળો બોલી, છતાંય પોલિસ લાચાર બનીને જોતી રહી.
સામાન્ય વ્યક્તિ જયારે સરકારી કર્મચારીઓના કામમાં અડચણરૂપ બને ત્યારે તેમના પર ફરજ રુકાવટની ફરિયાદ દાખલ થતી હોય છે, ત્યારે ભાજપના નેતાઓતો વહીવટી તંત્ર અને પોલીસના કામમાં અડચણરૂપ બની તેમની સામે જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ છતાં તેમના પર શું કામ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ મોટો પ્રશ્ન છે.






