અમદાવાદમાં ભાજપના નેતાઓેએ પૂર્વ વડાપ્રધાનનો મોતનો મલાજો પણ ના જાળવ્યો, ઢોલ-નગારા સાથે ગરબે ઘૂમ્યા
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે માનિતા વોર્ડ પ્રમુખની નિમણૂંક થતાં મણિનગરમાં ભાજપના ધારાસભ્ય-કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ધુમ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો ભૂલી ભાજપના ધારાસભ્ય-સ્થાનિક કાર્યકરોની થુંથુ થઇ રહી છે.
મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ-કાર્યકરોએ ફટાકડા ફોડ્યા
ભાજપના નેતાઓએ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને મૌનીબાબા કહીને અપમાન કરવામાં જરાય કસર છોડી નથી. મૃત્યુ પછી પણ ભાજપના નેતાઓ મલાજો જાળવી શક્યા નથી.ડો.મનમોહનસિંહના અવસાનના પગલે ગુજરાત સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ સુદ્ધાંને મોકુફ રખાયો છે. આ સંજોગોમાં ભાજપે મણિનગરમાં વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી હતી જેના પગલે જાહેર માર્ગ પર આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી.
ખુદ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે કાર્યકરોને મિઠાઇ ખવડાવીને મોં મીઠા કરાવ્યાં હતાં. સાથે સાથે જાહેર માર્ગ પર ખુદ ધારાસભ્ય ઢોલના તાલે ગરબે ઝૂમ્યા હતાં. આ ઉજવણીની તસ્વીરો-વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી જેના પગલે દેશહિત વિરૂદ્ધનું વરવુ પ્રદર્શન કરતાં ભાજપના નેતાઓ ચારેકોરથી ટીકાઓનો ભોગ બન્યા હતાં.
આ પણ વાંચો: 'અમે લીલો રંગ હટાવી દીધો છે', ભાજપના સાંસદે દીવાલ પર ભગવો કલર કરતાં સર્જાયો વિવાદ
દેશ શોકમાં ભાજપના નેતાઓ મોજમાં
દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. સત્તાવાર પ્રોટોકોલ મુજબ, વર્તમાન અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના મૃત્યુ પર જ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આઝાદી પછી, મહાત્મા ગાંધીનો ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય શોક અને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાનો રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ હતો. તે જ સમયે વડા પ્રધાનો પંડિત જવાહર લાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.








