મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના સિનિયર નેતાઓએ આજીવન કરી પાર્ટીની સેવા, છતાં માનીતા અધિકારીને બનાવાયા ગવર્નર

ગુજરાતના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્

ભાજપના સિનિયર નેતાઓએ આજીવન કરી પાર્ટીની સેવા, છતાં માનીતા અધિકારીને બનાવાયા ગવર્નર

ગુજરાતના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા તેની સાથે જ અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અધિકારીઓની કામગીરી અને તેમની વફાદારીની ચર્ચા ચાલી છે. રાજકીય સૂત્રોમાં ગણગણાટ છે કે, ભાજપમાં ઘણા સમયથી નેતાઓ, કાર્યકર્તાઓ ભુલાયા છે અને અધિકારીઓ ગુડબુકમાં આવતા જાય છે. કૈલાશનાથનને પણ તેમની અંગત વફાદારી વધારે કામ આવી ગઈ. તેમને એકાએક પુડ્ડુચેરીના ગવર્નર જેવી મલાઈદાર પોસ્ટ આપી દેવામાં આવી.

બીજી તરફ પાર્ટી માટે આખું જીવન આપી દેનારા, સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓને હજી પાર્ટી કાર્યાલય અને સચિવાલયના પગથિયે જ આંટાફેરા કરવા પડે છે. પક્ષના ઘણા જુના જોગીઓ અને સિનિયર નેતાઓ તથા કાર્યકર્તાઓને સમર્પણ ફળ્યું નથી. અહીંયા ગમતું વાજું વગાડનારા અને કહ્યા જેટલું જ અને જેવું કામ કરનારાને જ તક મળે છે. સફળ થવું હોય તો અંગત વફાદારી સાબિત કરો.

જ્યંતિ રવિને તાત્કાલિક પુડ્ડુચેરીથી બોલાવી મહેસૂલ વિભાગ અપાયો

ગુજરાત સરકારે હમણાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી તેમાં ડો. જ્યંતિ રવિને મહેસૂલ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયાં છે. 1991ની બેચનાં આઈએએસ અધિકારી ડો. જ્યંતિ રવિ ડેપ્યુટેશન પર હતાં અને છેલ્લા ચાર વર્ષથી પુડ્ડુચેરીમાં ઓરોવિલે ફાઉન્ડેશનમાં સેક્રેટરી હતાં. હવે અચાનક તેમને ગુજરાત પાછાં બોલાવી લેવાયાં છે. 

યોગાનુયોગ કે. કૈલાશનાથન પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા ત્યારે જ જ્યંતિ રવિને પુડ્ડુચેરીથી ગુજરાતમાં પરત લેવાયા છે. ભૂતકાળમાં આ બંને અધિકારીઓ વચ્ચે અણબનાવની ચર્ચા હતી પણ દેખીતી રીતે હાલમાં કશું જ જણાતું નથી. સરકાર દ્વારા અધિકારીઓના ખાતામાં જે આમૂલ પરિવર્તન કરાયું જેના જ ભાગરૂપે જ્યંતિ રવિને ગુજરાત પરત બોલાયાની શક્યતાઓ દેખાઈ રહી છે.  

આ સમાચાર શેર કરો