લોકસભા ચૂંટણી 2024/ ભાજપને પોતાના હોમગ્રાઉન્ડ ગુજરાતમાં હેટ્રીકનો ભરોસો કે કોંગ્રેસ ખાતું ખોલાવશે
ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે ભાજપ માટે એવી કેટલીક બેઠકો છે જે જીતવા માટે ન્યુનતમ પ્રયત્ન કરવા પડે. આ

ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે ભાજપ માટે એવી કેટલીક બેઠકો છે જે જીતવા માટે ન્યુનતમ પ્રયત્ન કરવા પડે. આ બેઠકો ભાજપ માટે ગઢ બની ગઇ છે. અહીંનો મતદાર કમળના ચિન્હને, નરેન્દ્ર મોદીની આભાને પહેલા પસંદ કરે છે અને પછી જુએ છે કે ઉમેદવાર કોણ..અહીં જ્ઞાતિ, જાતિ કે ધર્મના સમીકરણ નથી ચાલતા. શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં ફેલાયેલી આ બેઠકોમાં વિપક્ષને ઉમેદવાર કોણ એ નક્કી કરવાના ફાંફા પડી જાય છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો હાંસલ કરેલી. રાજ્ય સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટશેરની ટકાવારીમાં 30.52 ટકાનો તફાવત હતો. 2014માં પણ ભાજપે 26 બેઠકો જીતેલી અને કોંગ્રેસ કરતા 26.66 ટકા વધારે મત મેળવ્યા હતા. આ દર્શાવે છે કે શાસક વિરોધી લહેર કે સ્થાનિક ઉમેદવાર સામે અહીં કોઇ નારાજગી જણાતી નથી. તફાવત એટલો મોટો છે કે તે એન્ટી ઇન્કમ્બન્સી વેવથી પણ નાથી ન શકાય. જો આ પરિણામ કોંગ્રેસ તરફે આવે એટલે કે 30 ટકા મત ભાજપની વિરૂદ્ધમાં શિફ્ટ થાય તો સમજી લેવું કે સત્તા ગઇ. જોકે, સપનેય આટલો મોટો શિફ્ટ જોવા ના મળે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઇએ.
2019ની ચૂંટણીમાં ચાર બેઠકો એવી હતી જે ભાજપે પાંચ લાખ કરતા વધારે મતથી જીતી હતી. 11 બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ કરતા ભાજપને ત્રણ લાખથી પાંચ લાખ સુધી વધારે મત મળ્યા હતા. બાકીની 10 બેઠકો એવી હતી જેમાં પણ ભાજપનો મતનો માર્જિન સવા લાખ કરતા તો વધારે મતનો હતો જ! 2014માં પાંચ લાખથી વધારે મત સાથે ત્રણ ઉમેદવાર, ત્રણ લાખથી પાંચ લાખ વચ્ચેની લીડ સાથે બે ઉમેદવાર જીત્યા હતા.માત્ર બે ઉમેદવારની જીતનો માર્જિન એક લાખ કરતા ઓછો હતો. આ સિવાય 19 ઉમેદવાર લાખ કે ત્રણ લાખ સુધીના મતના માર્જિનથી જીત્યા હતા.
આ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, ભાવનગર, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, દાહોદ, સુરત એવી બેઠકો છે જેમાં દાયકાઓથી કોંગ્રેસના ઉમેદવારને સફળતા મળી નથી. નવસારી, ભરૂચ, જામનગર, પોરબંદર એવી બેઠકો છે જેમાં ભાજપના ઉમેદવારની જીતની લીડ સતત વધી રહી છે.
2004માં જ્યારે કોંગ્રેસને 14 બેઠકો મળી ત્યારે પણ રાજ્યની બધી બેએઠકોમાં ભાજપને મળેલા મત કરતા કોંગ્રેસના મત ઓછા હતા. માત્ર 2009માં કોંગ્રેસને રાજ્યમાં શાસક પક્ષ ભાજપ કરતા વધારે મત મળ્યા હતા.
2017માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળેલી અને શાસક પક્ષ ભાજપ પ્રથમ વખત 100 બેઠકની નીચે સરકી ગયો હતો પરંતુ સ્થાનિક નેતાગીરીમાં ફેરફારો, સંગઠનને વધુ મજબૂત બનાવી ભાજપે 2019માં ફરી એક વખત લોકસભાની બધી જ બેઠકો જીતી હતી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો હતો.
આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચાર અને કોંગ્રેસની વોટબેન્ક ઉપર ઝાડુ ફરી વળતા કોંગ્રેસને પાંચ દાયકામાં સૌથી ઓછી બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસે લગભગ 41 બેઠકો ગુમાવવી પડી હતી. આ લોકસભામાં ભાવનગર અને ભરૂચ ખાતે ખાસ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડી રહ્યાં છે. વિધાનસબા જીતેલા અન્ય ઉમેદવાર ભાજપમાં ભળ્યા છે. આ સ્થિતિમાં બધી બેઠકો ઉપર ભાજપ સામે સીધો જંગ છે. પ્રથમ વખત ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડ્યા છે. કેટલીક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક કે જ્ઞાતિગત નારાજગી પણ છે. આમ છતાં, આ સીધી અને સરળ બેઠકોમાં કેસરિયા પાર્ટીનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.
ક્ષત્રિય કે પાટીદાર: આંદોલનની અસર નહિવત
એવી વાતો થાય છે કે ભાજપ હંમેશા ચૂંટણી જીતવા માટે જ મેદાનમાં ઉતરે છે. ભાજપ માટે ચૂંટણીની જાહેરાત થઇ હોય કે નહિ સતત કાર્યક્રમ અને પ્રજાની વચ્ચે રહેવું એ મૂળમંત્ર છે. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી રાજ્ય સરકાર સામે પાટીદાર અનામત આંદોલન શરૂ થયેલું. આ આંદોલનની અસરથી ગ્રામ, તાલુકા અને જીલ્લા પંચાયત તથા પાલિકાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટેલી, પક્કડ ઢીલી પડેલી. જોકે, આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતાઓ ભાજપમાં ભળી ગયા છે. ભાજપ માટે મત માંગી રહ્યાં છે અથવા તો ટ્રેઝરી બેન્ચના ધારાસભ્ય છે.
રાજકોટના આ વખતના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલા ઘસાતા નિવેદન બાદ ક્ષત્રિયો ભાજપની વિરૂદ્ધમાં મતદાન માટે પ્રચાર કરી રહ્યા છે. ભાજપે રૂપાલાને હટાવ્યા નથી એ દર્શાવે છે કે પક્ષ ક્ષત્રિયોના અભિયાનથી બહુ મોટા નુકસાનની અપેક્ષા નથી રાખી રહ્યો. બીજું, પક્ષના ક્ષત્રિય નેતાઓની મદદથી આંદોલનકારીઓમાં મતભેદ કે વિભાજન પણ ઉભા કરાવવામાં સફળ રહ્યા છે. ત્રીજું, લગભગ છ બેઠકોને બાદ કરતા ક્ષત્રિયોની વસ્તી અન્યત્ર ઓછી હોવાથી નુકસાનની શક્યતા પણ ઓછી જણાય છે. એટલે ઉપરોક્ત બેઠકોમાં ભાજપના વિજય રથને કોઇ અટકાવી શકે એમ લાગતું નથી.
નબળી કોંગ્રેસ, નાણા પણ ઓછા અને નેતા પણ
ભાજપને પડકાર આપવા માટે કોંગ્રેસ પાસે એક સાંધો ને તેર તૂટે એવી સ્થિતિ છે. આવકવેરાના પગલાંના કારણે કોંગ્રેસના બેન્ક ખાતાઓ ઉપર ટાંચ છે એટલે નાણાનો અભાવ છે. બીજું, રાજ્યમાં વિરોધ પક્ષમાં હોવાથી આમ પણ તિજોરી પૂરી ભરેલી નથી. કાર્યકર અને સ્થાનિક નેતાઓ ક્રાઉડ ફંડિંગથી પ્રચાર માટે જરૂરી ફંડીગ ઉભું કરી રહ્યાં છે. બીજી તરફ, છેલ્લા ત્રણ દાયકામાં અનેક નેતાઓ, ધારાસભ્યો અને ઉમેદવારો સાથ છોડીને ભાજપમાં ભળી ગયા છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવતા જ લગભગ ડઝન નેતાઓ પાટલી બદલી ભાજપના કેમ્પમાં ગોઠવાય જાય છે એટલે લોકો સુધી પહોંચી શકે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપના સ્ટાર પાવર સામે હામ ભીડી શકે એવો કોઇ નેતા અત્યારે પ્રદેશ કક્ષાએ નથી. ડોર-ટુ-ડોર અભિયાન, જૂથ બેઠકો અને ખાટલા પરિષદથી લોકસભાની દરેક બેઠકોમાં પ્રચાર શક્ય નથી જેનો સીધો લાભ ભાજપને મળશે એમાં શંકા નથી.








