મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ બીલીમોરાનું ‘મીની સોમનાથ’: જ્યાં સ્વયંભૂ શિવલિંગના દર્શન માત્રથી દૂર થાય છે આધી, વ્યાધિ અને ઉપાધિ

નવસારી: દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર પોતાની ભવ્યતા અ

નવસારી: દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર પોતાની ભવ્યતા અને અતૂટ શ્રદ્ધા માટે જાણીતું છે. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વર્ષની બાર શિવરાત્રીઓમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે, અને તેમાં પણ બીલીમોરાના આ પ્રાચીન શિવાલયમાં રાત્રે 12 કલાકે શિવલિંગ પર ચઢાવવામાં આવતા 'ઘીના કમળ' ના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સોલંકી યુગનું સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ

આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ઇતિહાસકારો અને માન્યતાઓ મુજબ, વર્તમાન મંદિરની પૂર્વે અહીં જે શિવાલય હતું તેનું સ્થાપત્ય સોલંકી યુગ (11મી-12મી સદી) નું હોવાનું મનાય છે. વર્ષ 1618ના ઐતિહાસિક પુરાવાઓ પણ સાક્ષી પૂરે છે કે કાવેરી નદીના તટે આ પવિત્ર સ્થાન આવેલું છે. કાળક્રમે આ મંદિરનો બે વખત જીર્ણોદ્ધાર થયો છે, જેમાં છેલ્લે વર્ષ 1978માં વર્તમાન ભવ્ય શિવાલય સાકાર થયું હતું.

મંદિરની ભવ્યતા અને કલા-કારીગરી

બીલીમોરાનું આ સોમનાથ મંદિર તેની આધુનિક બાંધણી અને સ્થાપત્યકલા માટે પ્રખ્યાત છે:

  • ઉત્તુંગ શિખર: મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું છે, જેના પર 5 ફૂટ વ્યાસનો શુદ્ધ સુવર્ણના ઢોળ ચઢાવેલો તામ્ર કળશ પ્રસ્થાપિત છે.

  • પ્રવેશદ્વાર: મંદિર સંકુલમાં પ્રવેશવા માટે 20 ફૂટ ઊંચા આકર્ષક જોડિયા દ્વારો (ઉત્તર અને દક્ષિણ દ્વાર) છે.

  • ગર્ભગૃહ: ગર્ભગૃહમાં ભગવાન ભોળાનાથ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ગર્ભગૃહના દ્વારોને શુદ્ધ ચાંદીના કલાકારીયુક્ત પતરાથી મઢવામાં આવ્યા છે.

  • અન્ય દેવી-દેવતાઓ: શિવલિંગની સામે માતા પાર્વતી બિરાજમાન છે, જ્યારે મંદિરના ગોખમાં ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત છે. ઇશાન ખૂણામાં હનુમાનજીનું નવું મંદિર અને એક કલાત્મક યજ્ઞશાળા પણ આવેલી છે.

ભક્તોની અતૂટ આસ્થા

સ્થાનિક રહેવાસીઓ અને દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ, બીલીમોરાનું આ 'મીની સોમનાથ' માત્ર એક મંદિર નથી પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની બહાર ઉત્તર દિશામાં વહેતી ગૌમુખી અને શાંત-સૌમ્ય વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અર્પે છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવાભિષેક અને દર્શન માટે લાંબી કતારો જોવા મળે છે.

મંદિરના પૂજારી મહાદેવ વ્યાસના જણાવ્યા અનુસાર, અહીં વર્ષોથી પરંપરાગત રીતે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાનને વિશેષ શણગાર અને ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે, જે જોવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો ઉમટી પડે છે.

આ સમાચાર શેર કરો