મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ બીલીમોરા નગરપાલિકા ફરી વિવાદમાં, જૂના ડસ્ટબીન ધૂળ ખાય છે અને નવા માટે લાખોનો ખર્ચ

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં ઘેરા

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. સ્વચ્છતા અભિયાન હેઠળ વર્ષો પહેલા ખરીદાયેલા પ્લાસ્ટિકના ડસ્ટબીન હાલ પાલિકાના ડેપોમાં વપરાશ વગર પડ્યા હોવા છતાં હવે શહેરમાં સ્ટીલના નવા ડસ્ટબીન મૂકવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી કરવામાં આવતા વિપક્ષે નાણા વેડફાટના આક્ષેપ કર્યા છે.

મળતી માહિતી મુજબ, શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી અગાઉ મોટા પાયે પ્લાસ્ટિકના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો. હાલ અંદાજે 3000 જેટલા પ્લાસ્ટિકના ડસ્ટબીન વપરાયા વગર જ ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ, નગરપાલિકાએ સામાન્ય સભામાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ. 4.75 લાખના ખર્ચે શહેરમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ડસ્ટબીન મૂકવાનું આયોજન કર્યું છે. આ નિર્ણય સામે વિપક્ષે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે જૂના ડસ્ટબીનનો ઉપયોગ કે નિકાલ કર્યા વગર નવા ડસ્ટબીન ખરીદવાનો નિર્ણય યોગ્ય નથી.

નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર, જૂના ડસ્ટબીનનો નિકાલ કરવા માટે નવી યોજના હેઠળ વેરા મિલકતધારકોને આપવાની વિચારણા ચાલી રહી છે. જોકે, પહેલેથી જ ઉપલબ્ધ ડસ્ટબીન હોવા છતાં નવા ઓર્ડર આપવામાં આવતા વિવાદ વધુ ગરમાયો છે.

પાલિકા સત્તાધીશો આ પ્રોજેક્ટને શહેરના આધુનિકીકરણ અને સ્વચ્છતા સાથે જોડીને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે વિપક્ષ અને સ્થાનિકોમાં ઉઠતા સવાલો વચ્ચે હવે પાલિકા આ નિર્ણયમાં ફેરફાર કરશે કે નહીં તે જોવું રહ્યું.

     

આ સમાચાર શેર કરો