PCBને મળી મોટી સફળતા, પ્રોહીબિશનના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો
અમદાવાદ શહેરની પીસીબીની ટીમે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પો

અમદાવાદ શહેરની પીસીબીની ટીમે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
PCBને બાતમી મળી હતી કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સામે આરોપી રાજ ઉર્ફે મુકેશ ગોદારા (ઉ.વ.૩૧) રાજસ્થાનના રેવદર તાલુકામાં છે. જેથી પીસીબીની ટીમે ત્યાં તપાસ કરી હતી અને તપાસના અંતે રાજુ ઉર્ફે મુકેશ ગોદારાને પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપીની પૂછપરછ કરતા તે પોતે ફોરવીલ ગાડી, ટ્રક અને કન્ટેનરમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને ગુજરાત રાજ્યમાં મોકલતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેની સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેમજ અમદાવાદ ગ્રામ્યના કણભા ચાંગોદર, સાણંદ GIDC અને તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા, મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમ કુલ સાત ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. તેવામાં પીસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી તેને ઓઢવ પોલીસને હવાલે કર્યો છે.
રાજ ઉર્ફે મુકેશ ગોદારાને રાજસ્થાનના રેવદર તાલુકા ખાતે પંજાબ નેશનલ બેંક ખાતે આવતા તેને તાત્કાલીક પકડી લીધો હતો. રાજ ઉર્ફે મુકેશ ગોદારા પર રાજસ્થાન રાજયમાં સાંચોર પોલીસ સ્ટેશનમાં આર્મસ એકટના ગુનામાં વોંટેડ હતો.
પ્રાથમિક તપાસમાં આરોપીએ અત્યાર સુધીમાં બે કરોડથી વધુની રકમનો દારૂ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં પહોંચાડ્યો હોવાની પણ હકીકત તપાસમાં ખુલી છે. જેથી પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.








