BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના 150 કરોડ વાપરી કાઢ્યા, હિસાબો જ મળતા નથી
BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જા

BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે જેમાં CID ક્રાઇમે 39 પાનાની એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું કે, આરોપીઓએ રોકાણકારોને લાલચ આપીને 150 કરોડ બેન્ક મારફતે ઉઘરાવ્યા હતા જેમાંથી 53.06 કરોડ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંગત ઉપયોગમાં વાપરી કાઢ્યા છે. આ ઉપરાંત હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડામાંથી 52 કરોડનો હિસાબ મળ્યો છે.
CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીનો કર્યો વિરોધ
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો CID ક્રાઇમ તરફથી વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાએ ઓફિસો ખોલી ઊંચા વળતર,નફાની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ લોકોના પૈસાથી મોંઘી ગાડીઓ જેવી કે મર્સીડિઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગીફ્ટમાં આપી હતી ઉપરાંત માલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટુર્સ ગોઠવી લોકોને રોકાણ કરાવી મોટો લાભ મેળવ્યો છે.
BZ ગ્રુપે 7થી 18 ટકા વળતરની લાલચ આપી કૌભાંડ આચર્યું
આરોપીએ ટુરનું પેમેન્ટ BZ ફાઇનાન્સ સર્વિસમાંથી ચૂકવ્યું છે તેની તપાસ થઇ રહી છે. આરોપી BZ ગ્રુપનો CEO છે, આરોપીએ લોકોને ગીફ્ટ અને 7થી 18 ટકા વળતરની લાલચ આપી પૈસા અંગત વપરાશમાં લઇ મોટુ કૌભાંડ આચર્યું છે, આરોપીએ 2020થી 2024 દરમિયાન 18 મિલકતો ખરીદી છે જેની કિંમત 35 કરોડ જેટલી થાય છે. આરોપીએ કૌભાંડ માટે 11 કંપનીઓ ખોલી હતી તેની તપાસ ચાલી રહી છે. સમગ્ર કૌભાંડ માટે 27 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, આરોપી સામે આવા ચાર ગુના નોંધાયેલા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સરકારી નાણાની ઉચાપતનો પણ આરોપ
મુખ્ય સરકારી વકીલે અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ ઉમિયા કોટ ફાયબર્સ, ધોરાજી ખાતેથી કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં પાંચ બીલો બનાવ્યા હતા, તેના દ્વારા કાળા નાણાંને સફેદ કરવાનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ રોકાણકારોને રોકાણમાંથી 23.19 કરોડ બેંક મારફતે અન 29.87 કરોડ રોકડ એમ કૂલ 56.06 કરોડ અંગત વપરાશમાં લીધા છે, આરોપી પાસે એક જ જગ્યાનું નાણા ધિરાણનું લાઈસન્સ હોવા છતા 11 જગ્યાએ તે જ લાયસન્સનો ઉપયોગ કરી ધંધો કર્યો છે, આરોપીએ વિદ્યાર્થીઓને મળેલ 81 લાખની ગ્રાન્ટમાંથી 75 લાખ પોતે મેળવી સરકારી નાણાની ઉચાપત કરી છે. આરોપીએ શિક્ષકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લાખો રૂપિયા રોકડમાં ઉપાડી લીધા હતા. આરોપીએ કૌભાંડના પૈસામાંથી 18 જેટલી મિલકતો ખરીદી છે. આ મામલે તપાસ જારી છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઇએ.
આ પણ વાંચો: ભાજપના કદ્દાવર નેતાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કર્યું પોલિટિકલ એન્કાઉન્ટર? નેતાજીના પુત્રપ્રેમની કમલમ સુધી ભારે ચર્ચા
કૌભાંડમાં 150થી વધુ લોકોના નિવેદનો નોંધાયા
CID ક્રાઇમે કરેલ એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, આરોપીએ BZ કંપનીમાં કૂલ 11232 રોકાણકારો પાસેથી 422.96 કરોડ ઉઘરાવ્યા હતા તે પૈકી 6866 રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા પરત નહીં આપીને ઠગાઇ આચરી છે. BZમાં રોકાણકારો પૈકીના ભોગ બનનાર 150થી વધુ લોકોના નિવેદન CID ક્રાઇમે નોંધ્યા છે. હાલમાં તપાસ ચાલુ છે.








