ભાજપના કદ્દાવર નેતાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કર્યું પોલિટિકલ એન્કાઉન્ટર? નેતાજીના પુત્રપ્રેમની કમલમ સુધી ભારે ચર્ચા

ગુજરાતના 6000 કરોડ રૂપિયાના BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને બહાર નીકળવા માટે હવાતિંયા મારી રહ્યો છે. એક સમયે BZ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી ભાજપના નેતાઓને બોલાવી આગતા સ્વાગતા કરી રાજકીય કારકિર્દી બનાવવા નીકળેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જિલ્લા ભાજપના જ કેટલાક લોકોએ કાંટો કાઢી નાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
4 વર્ષથી ચાલતું હતું પૉન્ઝી કૌભાંડ
ગુજરાતના સૌથી મોટા ચર્ચિત કૌભાંડનો પર્દાફાશ CID ક્રાઈમે કર્યા બાદ રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ કૌભાંડને લગતા કેટલાક એવા પણ પ્રશ્નો છે, જેના જવાબ હજુ સુધી મળી શક્યા નથી. પરંતુ વર્ષ 2020થી ચાલી રહેલા આ પોન્ઝી સ્કેમ પર એક નનામી અરજીના આધારે અચાનક જ પોલીસની સૌથી વિશ્વસનીય તપાસ એજન્સી મનાતી CID ક્રાઈમની કાર્યવાહી પણ ઘણા પ્રશ્નો ઉપજાવે છે. સતત 4 વર્ષથી ચાલી રહેલા પોન્ઝી કૌભાંડ પર બેંકો, આંગડિયા પેઢી, ઈન્કમટેક્ષ, જિલ્લા પોલીસ તથા IB, રાજકીય નેતાઓની રહેમનજર અને લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થતાના ગણતરીના મહિનાઓમાં CID ક્રાઈમનો સપાટો કંઈક અલગ જ દિશામાં આંગળી ચીંધી રહ્યો છે.
જિલ્લામાં વધી રહેલું રાજકીય વર્ચસ્વ
સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાં ઈડર અને ખેડબ્રહ્મા વિધાનસભા સીટ અનામત કેટેગરીની છે, તો અન્ય બે સીટ હિંમતનગર અને પ્રાંતિજ જનરલ છે. આ બે સીટ પર ઓબીસી સમાજનું પ્રભુત્વ છે, જ્યારે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા સીટ પર પણ ઓબીસી સમાજનું પ્રભુત્વ હોવાનું માનવામાં આવે છે. હાલ હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા સીટ તથા સાબરકાંઠા-અરવલ્લી લોકસભા સીટ ભાજપના ફાળે છે, જેમાં પણ વિજેતા ઉમેદવારો ઓબીસી સમાજમાંથી આવે છે.
લોકસભા 2024ની ચૂંટણીમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ ભીખાજી દૂધાજી ઠાકોરને ટીકીટ આપી હતી, જો કે જાહેરાત બાદ ભીખાજીની અટકનો વિવાદ વકરતા ભાજપે તેમનું પત્તુ કાપ્યું હતું અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપી હતી. આ દરમિયાન પાર્ટીની અંદરના વિદ્રોહને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે ઘણા દાવેદારોને શાનમાં સમજાવી ઘરે બેસાડી દીધા હતા, છતાં પણ ભાજપ સામે બંડ પોકારી BZ (ભૂપેન્દ્રસિંહ ઝાલા)એ અપક્ષ ઉમેદવારી નોંધાવી પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીમાં 'પૂછ્યા વગર પાંદડુ પણ ફરકી શકતું નથી' તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અપક્ષ દાવેદારી પાછળ 'રાજકીય ગોડફાધર' મનાતો ચહેરો કોણ હતો અથવા કોણ છે? તે વાતે પાર્ટીને અસમંજસમાં મુકી દીધી હતી. વાત તો ત્યાં સુધી વણસી ગઈ કે, ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ઝાલાને ફોન કરી ફોર્મ પરત ખેંચવા કહેવું પડ્યું હતું.
વર્ષ 2017માં હિંમતનગર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી, વર્ષ 2022માં હિંમતનગર વિધાનસભા ચૂંટણીમાંથી પાછીપાની, વર્ષ 2024માં સાબરકાંઠા-અરવલ્લી લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવું. આ તમામ રાજકીય સપનાઓ સાથેનો ઘટનાક્રમ BZની રાજકીય કારકીર્દીની શરુઆત હતી કે અંત એ પણ એક મોટો સવાલ છે.
ભાજપના નેતાઓ અને નેતાપુત્રો સાથે સંબંધ
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાથી લઈને ગાંધીનગર સુધીના તમામ લોકોને ખબર છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છેલ્લા 4-5 વર્ષથી ભાજપના જ કેબિનેટ મિનિસ્ટરોથી લઈને નેતાપુત્રો સાથેના ગાઢ સંબંધ જગજાહેર છે. ઝાલાની સંસ્થાઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી તથા નેતાપુત્રો સાથે ઝાલાની ધંધામાં ભાગીદારી પણ એટલા જ ચર્ચાસ્પદ છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા BZ પોન્ઝી સ્કીમનો ફુગ્ગો ફોડ્યા બાદ ભાજપ હાઈકમાન્ડ અને ભાગીદારોનું ભેદી મૌન ભારતીય જનતા પાર્ટીને જ કઠેડામાં લાવીને ઊભી કરી દે છે.
ભાજપના કદ્દાવર નેતાએ કર્યું પોલિટિકલ એન્કાઉન્ટર?
સતત ચાર વર્ષથી ચાલી રહેલ BZ નામના પોન્ઝી કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય અથવા સાંસદ બની કેબિનેટ કક્ષાનો હોદ્દો મેળવવાની ચાહના રાખતો હતો. BZના કાર્યક્રમોમાં ભાજપ નેતાઓની સતત હાજરીથી સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપના જ એક દિગ્ગજ નેતાના પેટમાં તેલ રેડાતું હતું. ભાજપના એ દિગ્ગજ નેતાને ડર હતો કે જો ભૂપેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય કે સાંસદ બનશે તો સૌ પ્રથમ પોતાના પુત્રનું રાજકીય ભવિષ્ય ધુંધળુ થઇ જશે. રાજકીય વર્તુળોમાં તો એ પણ ચર્ચા હતી કે ટુંક સમયમાં આ અસંતોષી ભાજપ નેતા પુત્રપ્રેમમાં ઝાલાને રાજકીય રસ્તામાંથી હટાવવા માટે હવાતિયાં મારી રહ્યાં હતા જેમાંથી CIDમાં નનામી અરજીવાળો તુક્કો કામ લાગ્યો. BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા પર CID ક્રાઇમ દ્વારા રેડ કરાવીને ભાજપના નેતાએ પોતાના પુત્ર માટેનો રસ્તો સાફ કરી દીધો છે અને સાબરકાંઠા અને અરવલ્લી ભાજપને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જિલ્લા ભાજપમાં તેમની જ મનમાની ચાલશે.
કહેવાય છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ ભાજપ નેતાનો દબદબો એટલો છે કે જિલ્લાની સરકારી વહીવટની ફાઇલો પણ નેતા પુત્રની નજર હેઠળથી પસાર થાય છે. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પોલીસ, તલાટીઓ અને જિલ્લા પંચાયતના ટેબલોની ફાળવણી પણ આ નેતાપુત્રને જાણ કરી પછી કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઇ પણ પ્રકારના હોદ્દા વગર નેતાપુત્રને દરેક સરકારી કાર્યક્રમમાં મળતુ માન-સન્માન આંખે ઉંડીને વળગે છે. જોકે, આ બાબતે પ્રદેશ ભાજપ કોઇ કાર્યવાહી પણ કરતું ન હોય, સ્થાનિક ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં નિરાશાનો માહોલ જોવા મળે છે. 2024 લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નેતાના પુત્રની કાર્યકરો અને નેતાઓ પર જોહુકમી જોવા મળી હતી. સ્થાનિક ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ નેતાના પુત્રની ટિકિટ માટેનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
નનામી અરજી, CID તપાસ અને ધરપકડમાં 34 દિવસનો વિલંબ
સતત ચાર વર્ષથી ગુજરાતમાં ચાલી રહેલા BZ પોન્ઝી કૌભાંડને લઇને CID ક્રાઇમને નવેમ્બર-2024માં નનામી અરજી મળી હતી. જે બાદ CID ક્રાઇમે સુઓમોટો લઇ સાબરકાંઠા-અરવલ્લીમાં સમગ્ર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જેમાં CID ક્રાઇમે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો ખુલાસો કર્યો હતો. CID ક્રાઇમ દ્વારા ગુજરાતમાં વિવિધ જગ્યાએ BZ ગ્રુપની ઓફિસો અને મિલકતો પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી. BZ ગ્રુપના ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાની 34 દિવસ પછી મહેસાણાના વિસનગરના દવાડા ગામમાંથી ઝડપાયો હતો. તે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. તે બાદ ત્રણ દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન 6000 કરોડ રૂપિયામાંથી 422.96 કરોડ રૂપિયાની એન્ટ્રીના ખુલાસા થયા હતા.
ગુજરાત પોલીસ કોઇપણ ઘટનામાં આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતી હોય છે પણ 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે 34 દિવસ જેટલો સમય લાગતા કેટલાક સવાલ પણ ઉભા થઇ રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફંડ પણ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
પ્રેશર પોલિટિક્સ કે પછી ગોડફાધર બનવાની ચાહના?
જિલ્લા LCB, સ્ટેટ IB સતત ચાર વર્ષથી ચાલતા આ પોન્ઝી સ્કીમ પર આંખ આડા કાન કરી રહ્યું હતું. એનો મતલબ સ્પષ્ટ હતો કે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા પર રાજકીય આકાઓનો હાથ છે પરંતુ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાપુત્રને આ વાત સતત ખુચી રહી હતી. અચાનક સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધી રહેલું કદ અને કથિત લોકચાહનાથી બેબાકળા બનેલા નેતાપુત્રના ઇશારે CID ક્રાઇમમાં નનામી અરજી કરાઇ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
CIDની ત્વરિત કાર્યવાહીથી દિગ્ગજ ભાજપ નેતા દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં જો તમારે પદ કે નેતા બનવું હોય તો અમારી સામે શરણાગતિ સ્વીકારવી પડશે. જોકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઝાલાની રાજકીય કારકિર્દી પુરી કરવા માટેનો દાવ સફળ રહ્યો છે જેને રાજકીય ભાષામાં પ્રેશર પોલિટિક્સ પણ કહેવાય છે. આ સમગ્ર ઘટનાક્રમે ઝાલાને અને તેના જેવા અન્ય નેતાઓને શાનમાં સમજાવી દીધુ છે કે તમારો રાજકીય ગોડફાધર હવે હું કાં તો મારો પુત્ર હશે.

