દેશભરમાં સસ્તા સોનાના નામે ઠગાઇ કરતી ભુજની ગેંગ ઝડપાઇ, LCBએ ગુજસીટોક હેઠળ કરી કાર્યવાહી
રાજ્ય નહિ પરંતુ દેશભરમાં સસ્તા સોનાને નામે ઠગાઈના બનાવ બને એટલે તે

રાજ્ય નહિ પરંતુ દેશભરમાં સસ્તા સોનાને નામે ઠગાઈના બનાવ બને એટલે તેમ ભુજના ચીટરોની સંડોવણી સામે આવ્યા જ કરે છે. તેવામાં હવે પશ્ચિમ કચ્છ સહીત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 19 ગુનાને અંજામ આપનાર ચીટરો સામે કાયદાનો ગાળિયો કસ્યો છે. જેમાં સોશિયલ મીડિયા અને ફેસબુક સહિતના માધ્યમોથી જાહેરાતો કરી વેપારી અને ધંધાર્થીઓ પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ આચરતા ભુજના ચાર ઈસમો સામે એલસીબીએ કાર્યવાહી કરી ગુજસીટોકનો ગુનો નોધાવ્યો છે.
ભુજની ટોળી દેશભરમાં મચાવતી આતંક
ભારતભરમાં સસ્તા સોનાના નામે ભુજની ચીટર ગેંગ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ સરકાર તરફે ફરિયાદી બની ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના રહીમન નગરમાં રહેતા આરોપી જુસબ ઈસ્માઈલ સોઢા ઉર્ફે સિકંદર, મીઠુ નુરમામદ સોઢા, મહમદ હનીફ સોઢા અને અમીન મહમદ હનીફ સોઢા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોધાવ્યો છે. ચારેય આરોપીઓએ પોતાની ગુનાહિત પ્રવૃત્તિ આચરવા સાગરીતો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિને આજીવિકાનું સાધન બનાવનાર આરોપીઓ સામે પશ્ચિમ કચ્છના માનકુવા, ભુજ શહેર એ અને બી ડીવીઝન, આહવા, પોરબંદરના કમલાબાગ, માંડવી મરીન અને માધાપર પોલીસ મથકમાં કુલ 19 જેટલા ગુના નોધાયેલા છે.
ચીટર ટોળકી વિરુદ્ધ નોંધાયો ગુજસીટોકનો ગુનો
ચીટર ટોળકી સોશિયલ મીડિયા અને ફોન મારફતે લોકોને સસ્તામાં સોનું આપવાની જાળમાં ફસાવતી હતી. જે બાદ રૂપિયા પડાવી સોનું કે રૂપિયા પરત ન આપી ઠગાઈ અને લુંટના બનાવને અંજામ આપતી હતી. સંગઠીત ગુના આચરતી ટોળકીને અટકાવવા માટે પોલીસે ચાર ઈસમો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં અગાઉ માંડવી પોલીસ મથકે હુમલો કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધાયો હતો. જે બાદ કલમનો ઉમેરો કરી તેમની વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. પરંતુ ઠગાઈ આચરતા ભુજના ચાર ઈસમો સામે ખાસ ગુજસીટોકનો પ્રથમ ગુનો ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોધાયો છે.







