ભુજની કે.કે.પટેલ હોસ્પિટલમાં મેડિકલ માફિયાઓ સક્રિય, રિપોર્ટના નામે ગરીબ દર્દી પાસેથી પડાવ્યા 85 હજાર
ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ હવે ભુજની કે.કે.પટેલ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો

ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ હવે ભુજની કે.કે.પટેલ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. પટેલ સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને છેતરવામાં આવી રહ્યાં છે. ભુજ લેઉવા પટેલ ચોવીસીનો એક લેટર વાયરલ થયો છે જેમાં હોસ્પિટલમાં દર્દી પાસેથી રિપોર્ટના નામે 85 હજાર રૂપિયા પડાવી લીધાનો આરોપ મુકવામાં આવ્યો છે.
કે.કે પટેલ હોસ્પિટલમાં દર્દીને 85 હજારના રિપોર્ટ માટે દબાણ કરાયું
ભુજમાં આવેલી કે.કે.પટેલ હોસ્પિટલનું પ્રાઇવેટ કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવતા કચ્છની ગરીબ જનતા લૂંટાઇ રહી હોવાનો આરોપ લાગ્યો છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી રમેશ પટેલે જ આ હોસ્પિટલમાં મેડિકલ માફિયાઓને લઇને મોટો ખુલાસો કર્યો છે.
કે.કે.પટેલ હોસ્પિટલમાં સારવાર માટે કરસનભાઇ પટેલ નામના દર્દીનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ નોર્મલ 8 હજાર રૂપિયાનો હોય છે. રિપોર્ટ ચેક કર્યા બાદ CDની અંદર ચેક કર્યો તો તેમાં 80થી 90 ટકા બ્લોકેજ બતાવતું હતું અને જ્યારે કોમ્પ્યુટરની અંદર રિપોર્ટ ચેક કર્યો તો તેમાં 50 ટકા બ્લોકેજ બતાવતું હતું. ડૉક્ટરે રિપોર્ટ ચેક કર્યા બાદ આ રિપોર્ટ ખોટો હોવાનું જણાવ્યું હતું અને ફરી રિપોર્ટ કરાવવા કહ્યું હતું. દર્દીએ બીજી વખત રિપોર્ટ કરાવ્યો હતો જેના 80 હજાર રૂપિયા આપ્યા હતા. ગરીબ દર્દીને ડૉક્ટરે કહ્યું કે, રિપોર્ટ કરાવવો પડશે અને ઓપરેશન કરવું પડશે.દર્દીએ મજબૂરીમાં રિપોર્ટ કરાવ્યો હતો અને ડોક્ટરે ઓપરેશનનું કહેતા ઓપરેશનની તારીખ પણ આપી દીધી હતી. તે બાદ આ દર્દી ઓપરેશન કરાવવા તૈયાર થઇ ગયા છે અને તે આવે તો PMJAY કાર્ડમાં ઓપરેશન ના કરવાનું જણાવવામાં આવ્યું હતું.
મેડિકલ માફિયાઓ સામે સમાજમાં રોષ
ભુજની કે.કે.પટેલ હોસ્પિટલમાં દર્દીઓને અમદાવાદ સુધી લાંબા ના થવું પડે તેના માટે 200 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કચ્છી લેઉવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાની અનેક ફરિયાદ બાદ તપાસની માંગ ઉઠાવી છે.
કે.કે.હોસ્પિટલમાં સમાજના લોકોને જ કોઇ ફાયદો નથી થતો
કચ્છી લેઉવા પટેલ સમાજ સલાહકાર સમિતિના સભ્ય ગોવિંદ પટેલે કહ્યું કે, લેઉવા પટેલ સમાજ માટે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં જ્ઞાતિ કે સમાજના લોકોને કોઇ ફાયદો થતો નથી. કરસનભાઇ નામના દર્દીએ ફેમિલી ડોક્ટરને રિપોર્ટ બતાવતા તેમાં છેડછાડ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. કે.કે. પટેલ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓને લૂંટવાના કિસ્સા બને છે. 200 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં સમાજ-જ્ઞાતિજનોને કોઇ ફાયદો થતો નથી. અન્ય હોસ્પિટલમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી ડબલ વસુલવામાં આવે છે. અમારા જ્ઞાતિના વડીલો-દાતાઓ પ્રત્યે સમાજ ટ્રસ્ટીમંડળે ભેગા મળીને ઉકેલ લાવવો જોઇએ. જો ઉકેલ ના આવે તો આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે તે શરમજનક વાત છે.








