ભાવનગરની CSMCRIની મોટી સફળતા, હવે UTIનો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે

ભાવનગરની CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે. જેમાં મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI)નો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે.
પહેલા 1 હજારથી લઈને 3 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો, હવે માત્ર 15 રૂપિયા થશે
અત્યાર સુધી આ ટેસ્ટ માટે 38 થી 48 કલાક બાદ રિપોર્ટ આવતા અને જેનો ખર્ચ રૂપિયા 1 હજારથી લઈને 3 હજાર સુધી થતો હતો. જયારે CSMCRI દ્વારા બનાવવામાં આવેલી કીટમાં આ ટેસ્ટ માત્ર રૂપિયા 15માં થશે. જેનાથી દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે.
માત્ર 2 ડબ્બીમાં થશે ટેસ્ટ
પુરુષ કે સ્ત્રીનું યુરિન સેમ્પલ લઇને 6 થી 9 કલાક એના પર પ્રક્રિયા કરવાની હોય છે. આ મેમ્બ્રેન કિટને સેમ્પલમાં નાખ્યા બાદ જો કોઇ કલર ન અવે તો સમજી લેવું કે બેક્ટેરિયા ખતમ થઇ ગયા છે. જો સેમ્પલનો કલર બદલાઇને ગુલાબી જાય તો સમજી લેવાનું કે બેક્ટેરિયા છે. દવા કામ નથી કરી રહી. નરી આંખે પણ આ પરિણામ જોઇ શકાય છે. એક સરળ પ્રકારની કિટ બનાવી છે.
કિટ પાછળ વૈજ્ઞાનિકોની 5થી 6 વર્ષની મહેનત
સાદી ભાષામાં કહીએ તો માત્ર 2 ડબ્બી હોય છે, જેમાં યુરિન મૂકવા સાથે મેમ્બ્રેન નાખી ચેક કરવામાં આવે છે. કલર ચેન્જ થાય તો ઇન્ફેક્શન નક્કી થાય છે. અને સાથે એ પણ નક્કી થાય છે કે કેવા બેકટેરિયા છે. જેથી કયા પ્રકારની દવા આપવામાં આવે છે. એ પણ નક્કી થઇ જાય છે. સમયમાં સચોટ રિઝલ્ટ આપે છે. કિટ સામાન્ય લોકો ઉપયોગ કરી શકે એ માટે બનાવાઇ છે. આના ઉપયોગ માટે કોઇ સ્કિલ ટેક્નિશિયનની જરૂર નથી. કોઇ કિટ ડેવલપ કરવામાં કોઇ સમયમર્યાદા નથી હોતી. પણ આ કિટ બનાવવા પાછળ વૈજ્ઞાનિકોની 5થી 6 વર્ષની મહેનત છે.
સમયસર સારવાર મળે એ માટે કિટ બનાવાઈ
CSMCRIના વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યા અનુસાર સમયસર સારવાર મળે એ માટે કિટ બનાવી દર્દીઓને ઇન્ફેક્શનનો રિપોર્ટ ઝડપથી જોઇતો હતો. પણ જૂની પ્રક્રિયામાં 2 થી 3 દિવસ લાગી જતા હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા અને લોકોને સમયસર સારવાર મળે એ માટે કિટ બનાવવાનો વિચાર વૈજ્ઞાનિકોને આવ્યો હતો. જૂની પ્રક્રિયામાં બેક્ટેરિયાને વધવા અને ઓળખવામાં સમય લાગતો હતો. જેથી રિપોર્ટ આવતાં 36 થી 48 કલાક લાગી જતા હતા.
કિટ સસ્તી સામગ્રી અને સરળ પ્રક્રિયાથી બની છે
સામાન્ય લેબ ટેસ્ટ મોંઘા હોય છે. કારણ કે એમાં સાધનો અને સમય વધુ લાગે છે. આ કિટ સસ્તી સામગ્રી અને સરળ પ્રક્રિયાથી બનેલી છે. તેથી એની કિંમત ખૂબ ઓછી છે અને સામાન્ય લોકોની પહોંચમાં છે.
UTIના લક્ષણો
UTIના લક્ષણો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વારંવાર પેશાબ લાગે, પેશાબ કરતી વખતે બળતરા થાય, ઓછો પેશાબ આવે, પેશાબ રોકાઇ-રોકાઇને આવે, કમર અથવા પેટ પાસે દુ:ખાવો થાય, ક્યારેક-ક્યારેક ઘણો થાક અને તાવ પણ આના લક્ષણો છે.
UTIની સારવાર
સારવારની વાત કરીએ તો સામાન્ય રીતે એન્ટીબાયોટિક દવા આપીને જ એની સારવાર થાય છે. પણ એના માટે એ ખબર હોવી જોઇએ કે આ રોગમાં કયા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે.
દરેક વર્ગના લોકો કિટનો ઉપયોગ કરી શકશે
પુરુષોને પણ આ રોગ થઈ શકે છે. UTI પુરુષ કે મહિલા એમ ગમે તેને થઇ શકે છે. મહિલાઓને ઘરની જવાબદારી વધુ હોવાથી ઘણીવાર તે આવી સમસ્યાઓ નથી જણાવી શકતી. જ્યારે આ રોગ મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખબર પડે છે. આ કિટની અંતિમ કિંમત ફાર્માસ્યુટિકલ કંપનીઓ નક્કી કરશે. પરંતુ કિટ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. જેથી દરેક વર્ગના લોકો એનો ઉપયોગ કરી શકે. એની કિંમત પરંપરાગત ટેસ્ટ કરતાં ઘણી ઓછી રહેશે. કિટનું જલદી મોટેપાયે ઉત્પાદન કરવાની યોજના છે.

