Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : 9 inches of rain in Bhavnagar's Jesar, rivers in Saurashtra overflowing

VIDEO: રાજ્યમાં 5 જિલ્લાઓમાં રેડએલર્ટઃ ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં નદીઓ ગાંડીતૂર

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

App Store

ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન 101થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 9.06 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 7.28 ઈંચ, ભાવનગરના મહુવામાં 6.93 ઈંચ, તળાજામાં 3.31 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 2.72 ઈંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 2.28 ઈંચ, રાજકોટના જેતપુરમાં 2.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

78 તાલુકામાં 1-1 ઈંચ વરસાદ

જ્યારે જૂનાગઢ, વલસાડના ઉમરગામ, ગીર સોમનાથના ઊના, અમરેલીના ખાંભા, ગીર સોમનાથ, સુત્રાપાડા, અમરેલીના લિલિયા, તાપીના ડોલવણ, જૂનાગઢના ભેસણ, અમરેલીના જાફરાબાદ, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથના તલાલા, ભરૂચના હાંસોટ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના 78 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

વરલથી ભાખર જવાનો રસ્તો બંધ

મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. આ ઉપરાંત શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

થોરાળી નદી પર ચેકડેમ ઓવરફ્લો 

અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.