દિવાળીના તહેવારોમાં સાબરમતી નદીમાં 5 લોકોએ લગાવી છલાંગ; 4નાં મોત, એકનો બચાવ

દિવાળીથી લઈને ભાઈબીજ વચ્ચેના તહેવારો દરમિયાન સાબરમતી નદીમાં પાંચ અલગ-અલગ વ્યક્તિઓએ ઝંપલાવ્યું હતું. આ ઘટનાઓમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાંથી 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે 1 યુવકને જીવતો બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
એલિસબ્રિજ અને અટલ બ્રિજ વચ્ચેથી યુવકનો મૃતદેહ મળ્યો
પ્રથમ ઘટનામાં દિવાળીની સવારે એલિસબ્રિજ અને અટલ બ્રિજ વચ્ચેથી એક વ્યક્તિની બેગ, મોબાઈલ ફોન, ચંપલ અને મોટરસાઇકલની ચાવી મળી આવી હતી. સ્થાનિક સૂચના મળતાં જ ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ટીમ દ્વારા માત્ર 1 કલાકમાં જ ફેનિલ નામના યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પતંગ હોટેલ નજીક અજાણ્યા પુરુષનો તરતો મૃતદેહ મળ્યો
દિવાળીના દિવસે જ બનેલી બીજી એક ઘટનામાં રિવરફ્રન્ટ પર પતંગ હોટેલ તરફ નદીના પાણીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. રિવરફ્રન્ટના સુરક્ષાકર્મીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક પાસેથી ઓળખ માટેનો કોઈ દસ્તાવેજ કે સામાન મળ્યો ન હોવાથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેના પરિવારની શોધખોળ હાથ ધરી હતી.
દધીચિ બ્રિજ પાસેથી કૂદેલા યુવકને જીવતો બહાર કઢાયો
ત્રીજી ઘટનામાં દિવાળીના બીજા દિવસે બપોરના સમયે એક વ્યક્તિએ દધીચિ બ્રિજ નજીક નદીમાં ઝંપલાવ્યું હતું. રિવર રેસ્ક્યૂ ટીમે ત્વરિત કામગીરી કરીને તેને બહાર કાઢ્યો હતો, જ્યાં તે જીવિત હોવાનું માલૂમ પડ્યું હતું. બચી ગયેલા વ્યક્તિની ઓળખ પ્રવીણ કાંબલે તરીકે થઈ હતી અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રાત્રિના સમયે વધુ એક યુવકનું ડૂબી જવાથી મોત
તે જ દિવસે મોડી રાત્રે એક વ્યક્તિને નદીમાં કૂદતો જોઈને સુરક્ષાકર્મીએ ફાયર વિભાગને સતર્ક કર્યો હતો. રેસ્ક્યૂ ટીમે રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરીને સાજિદ પઠાણ નામના વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો હતો.
ભાઈબીજની સવારે એલિસબ્રિજ પાસેથી પાંચમી લાશ મળી
પાંચમી ઘટનામાં ભાઈબીજની સવારે એલિસબ્રિજ નજીક એક સુરક્ષાકર્મીને નદીમાં વધુ એક મૃતદેહ તરતો નજરે પડ્યો હતો. રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો, પરંતુ મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર મળ્યું ન હતું. જોકે મૃતકના હાથ પર અંગ્રેજીમાં 'Paresh' લખેલું જોવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ અને તેના પરિવારજનોને શોધવાની તજવીજ હાથ ધરી છે.













