અમદાવાદના કાપડ અને સોની બજારમાં જળવાઈ છે વર્ષો જૂની પરંપરા, નવા વર્ષે વડીલોના હાથે ખૂલ્યાં દુકાનોના તાળાં

ગુજરાતી નૂતન વર્ષ એટલે માત્ર નવા વર્ષની ઉજવણી નહીં, પરંતુ વેપારી પરિવારો માટે આસ્થા, પરંપરા અને સમૃદ્ધિની નવી શરૂઆતનો અવસર પણ છે. દિવાળીની રજાઓ વચ્ચે અમદાવાદના કાપડ બજાર અને સોની બજારમાં આજે પણ પેઢીઓ જૂની પરંપરા જીવંત છે. નવા વર્ષની સવારે પરિવારના વડીલો દુકાનના તાળાં ખોલે છે, પૂજા-અર્ચના કરે છે, નવા હિસાબી ચોપડાનું પૂજન કરે છે અને વર્ષનો પ્રથમ આર્થિક વ્યવહાર કરીને શુભ શરૂઆત કરે છે.
વડીલોના હાથે દુકાન ખોલવાની પરંપરા
અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટમાં આવેલી શાશ્વત ટેક્સટાઈલ્સ લિમિટેડમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી નૂતન વર્ષના દિવસે પરિવારના સૌથી વરિષ્ઠ સભ્યના હાથે દુકાન ખોલવાની પરંપરા ચાલી આવે છે. કંપનીના ડિરેક્ટર અમીશ શાહના જણાવ્યા અનુસાર, તેમના પિતા દર વર્ષે નવા વર્ષની સવારે દુકાન ખોલીને પૂજા-અર્ચના કરે છે. આ પ્રસંગે સૌપ્રથમ બિલ કુળદેવી અથવા કુળદેવતાના નામે બનાવવામાં આવે છે. ત્યારબાદ બીજું બિલ કોઈ નિયમિત હોલસેલ ગ્રાહકના નામે બનાવીને નવા વર્ષના વેપારની શુભ શરૂઆત કરવામાં આવે છે.
સોની બજારમાં પણ આસ્થાનો માહોલ
અમદાવાદના સોની અને ઝવેરી બજારમાં પણ નૂતન વર્ષના દિવસે વિશેષ ઉત્સાહ જોવા મળે છે. જ્વેલર જિગર સોનીના જણાવ્યા અનુસાર, નવા વર્ષની તૈયારીઓ દિવાળીના દિવસોથી જ શરૂ થઈ જાય છે. વેપારી પરિવારો નવા કપડાં ખરીદે છે અને દુકાનોને આસોપાલવનાં તોરણોથી શણગારે છે. નવા વર્ષના દિવસે દુકાનોમાં પૂજા-અર્ચના કરીને આગામી વર્ષમાં ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. સોની વેપારીઓ માટે આ દિવસ માત્ર ધાર્મિક નહીં, પરંતુ વ્યવસાયિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સવારે 6થી 9 વાગ્યા સુધી શુભ મુહૂર્ત
ન્યુ ક્લોથ માર્કેટના ત્રીજી પેઢીના કાપડ વેપારી અમિત શાહે જણાવ્યું હતું કે મોટાભાગના વેપારીઓ નવા વર્ષની શરૂઆત માટે સવારે 6થી 9 વાગ્યાની વચ્ચેનું મુહૂર્ત પસંદ કરે છે. આ દરમિયાન નવા હિસાબી ચોપડા પર ફૂલ ચડાવવામાં આવે છે અને 'પહેલો હિસાબ' એટલે કે વર્ષની પ્રથમ હિસાબી એન્ટ્રી કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારના સભ્યો મંદિરે જઈને આગામી વર્ષ માટે આશીર્વાદ લે છે. વેપારીઓ માને છે કે વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવેલી આ ધાર્મિક વિધિઓ નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને વેપારમાં વૃદ્ધિનું પ્રતીક છે.
લાભ પાંચમથી ફરી ધમધમશે બજારો
બદલાતી જીવનશૈલી અને તહેવારોમાં પરિવાર સાથે બહાર ફરવા જવાના વધતા ટ્રેન્ડ વચ્ચે પણ અમદાવાદના અનેક વેપારી પરિવારો પોતાની પેઢીઓ જૂની પરંપરાઓ જાળવી રહ્યા છે. નવા વર્ષના દિવસે પ્રતીકાત્મક રીતે દુકાનો ખોલીને પૂજા અને પ્રથમ વ્યવહાર કરવામાં આવે છે. ત્યારબાદ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં મોટાભાગનાં બજારો લાભ પાંચમ અથવા લાભ સાતમથી નિયમિત વેપાર શરૂ કરે છે. આમ, આધુનિક સમય અને બદલાતી જીવનશૈલી વચ્ચે પણ અમદાવાદના કાપડ અને સોની બજારમાં વડીલોના હાથે દુકાન ખોલવાની અને નવા ચોપડાની પૂજા કરવાની પરંપરા આજે પણ નવી પેઢીને સંસ્કૃતિ અને પરિવારના વારસા સાથે જોડી રહી છે.












