અમૂલ દૂધના ભાવ ફરી વધ્યા, ગોલ્ડ પ્રતિ લિટરે રૂ.4 અને તાજામાં રૂ.2નો વધારો ઝીંકાયો

દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ભાવ આવતીકાલથી અમલી બનશે. આ ભાવવધારાની સીધી અસર દૂધ ખરીદતા ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂ.4નો વધારો
મળતી માહિતી મુજબ, અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટરે રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી જે ગ્રાહકો અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા દૂધની ખરીદી કરતા હતા, તેમણે હવે દરેક લિટર દૂધની ખરીદી માટે વધુ નાણાં ચૂકવવા પડશે.
મધર ડેરીએ પણ લિટરે રૂ.4 સુધીનો વધારો કર્યો
દિલ્હી-એનસીઆરમાં દૈનિક 35 લાખ લિટર અને દેશભરમાં 50 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરતી મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2થી રૂ.4 સુધીનો વધારો કર્યો છે. આ સુધારેલા દરો 11 નવેમ્બર 2026થી લાગુ કરી દેવાયા છે. ખેડૂતો પાસેથી દૂધની ખરીદી કિંમતમાં સતત વધારો થવાના કારણે આ બોજ ગ્રાહકો પર નાખવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. મધર ડેરી પોતાની કુલ આવકનો 75થી 80 ટકા હિસ્સો દૂધ ઉત્પાદક ખેડૂતોને ચૂકવે છે.
મધર ડેરીના વિવિધ વેરિયન્ટ્સના નવા ભાવ જાહેર
નવા ભાવ વધારા અનુસાર, મધર ડેરીના ફૂલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ.72થી વધીને રૂ.76 થયો છે. કાઉ મિલ્ક રૂ.62થી વધીને રૂ.65 પ્રતિ લિટર થયું છે. આ ઉપરાંત ટોન્ડ મિલ્કના ભાવમાં લિટરે રૂ.2નો વધારો થતાં હવે તે રૂ.62 પ્રતિ લિટર મળશે, જ્યારે ડબલ ટોન્ડ દૂધની કિંમત રૂ.54થી વધારીને રૂ.56 પ્રતિ લિટર કરવામાં આવી છે. ટોન્ડ મિલ્કના અન્ય વેરિયન્ટનો ભાવ રૂ.58થી વધારીને રૂ.60 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
દૈનિક જીવનમાં દૂધ આવશ્યક ચીજવસ્તુ હોવાથી ભાવવધારાની અસર સામાન્ય પરિવારોના માસિક બજેટ પર પણ પડી શકે છે. ખાસ કરીને રોજિંદા વપરાશ માટે વધુ પ્રમાણમાં દૂધ ખરીદતા પરિવારોને હવે વધારાનો ખર્ચ ભોગવવો પડશે.








