દિવાળી ટાણે મોંઘવારીનો માર: અમૂલ ઘી અને બટરના ભાવમાં મોટો ભડકો, જાણો નવા દર

દિવાળી અને તહેવારોની મોસમમાં ઘરમાં મિઠાઈઓ તેમજ પકવાન બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર હવે વધારાનો બોજ પડવાનો છે. દિવાળી પૂર્વે અમૂલે ઘી અને બટર ખરીદનારા ગ્રાહકોને મોટો ઝટકો આપતાં ભાવવધારો જાહેર કર્યો છે. કંપનીએ ૧ કિલો ઘીના પેકમાં સીધો ₹૫૦નો વધારો ઝીંકી દીધો છે, જ્યારે ૫૦૦ ગ્રામ બટરનું પેક પણ ₹૧૫ મોંઘું થયું છે. ભાવવધારાની સાથે-સાથે કેટલાક બજારોમાં અમૂલના ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે.
અમૂલ દ્વારા ઘી અને બટરના વિવિધ પેકિંગના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે:
૧ કિલો ઘી (કાર્ટન): હવે ₹૬૩૦ના બદલે ₹૬૮૦ માં મળશે (સીધો ₹૫૦નો વધારો).
૫૦૦ ગ્રામ પ્યોર ઘી (પાઉચ): ભાવ ₹૩૨૫થી વધારીને ₹૩૪૫ કરવામાં આવ્યો છે.
૧૦૦ ગ્રામ બટર: ₹૬૩થી વધીને હવે ₹૬૬ થયું છે.
૫૦૦ ગ્રામ બટર: ₹૩૧૦થી વધીને હવે ₹૩૨૫ ચૂકવવા પડશે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ અલગ-અલગ દર અને 'આઉટ ઓફ સ્ટોક'
'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, અમૂલના ઓનલાઇન પ્લેટફોર્મ પર વિવિધ વેરિયન્ટના ભાવ આ મુજબ નોંધાયા છે:
ગાયનું ઘી: ₹૭૪૦ પ્રતિ લિટર
સાગર ઘી: ₹૭૧૦ પ્રતિ લિટર
પ્યોર ઘી: ₹૭૦૦ પ્રતિ લિટર
ભેંસનું ઘી: ₹૭૨૦ પ્રતિ લિટર
ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્યોર ઘી, ભેંસનું ઘી અને કોમ્બો પેક જેવા કેટલાક ઉત્પાદનો 'આઉટ ઓફ સ્ટોક' દર્શાવી રહ્યા છે, જે તહેવારોના સમયે પુરવઠા પરનું ભારણ સ્પષ્ટ કરે છે.
શા માટે વધ્યા ભાવ?
ઘીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ બજારમાં ઊંચી માગ અને મર્યાદિત પુરવઠો ગણાવવામાં આવી રહ્યું છે:
૧. નકલી ઘી સામેની ઝુંબેશ: ગુજરાત અને રાજસ્થાનમાં ભેળસેળિયા ઘી સામે થયેલી કડક કાર્યવાહી બાદ ગ્રાહકો બ્રાન્ડેડ ઘી તરફ વળ્યા છે. સહકારી ક્ષેત્રના સૂત્રો મુજબ, છેલ્લા ૬ મહિનામાં આ બંને રાજ્યોમાંથી આશરે ૨ લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેના પગલે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે અમૂલની માગ અચાનક વધી ગઈ છે.
૨. તહેવારોમાં ભારે વપરાશ: સામાન્ય રીતે સમગ્ર વર્ષના કુલ ઘી વપરાશનો આશરે ૪૫% હિસ્સો તહેવારો દરમિયાન ખર્ચાય છે. દિવાળી નજીક આવતાં જ માગમાં મોટો ઉછાળો આવ્યો છે.
ગાયના ઘીની અછત અને સપ્લાયની મુશ્કેલી
ભાવવધારાની સાથોસાથ ગ્રાહકોને અમૂલની પ્રોડક્ટ્સ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં દુકાનદારોએ ઘીનો પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના ડી-માર્ટ (D-Mart) સ્ટોરમાં પણ અમૂલ ઘી અને બટરનો સ્ટોક ખૂટી પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે.
વડોદરાના અમૂલ પાર્લર સંચાલકોના જણાવ્યા મુજબ, ગણપતિ મહોત્સવ બાદથી ગાયના ઘીની પૂરતી સપ્લાય આવી નથી. વિતરકો સાથેની બેઠક બાદ સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ માગ સામે જથ્થો હજુ પણ અપૂરતો છે. અગાઉ પૂણે, કોલકાતા અને જમ્મુ-કાશ્મીરમાંથી પણ સપ્લાય ખોરવાઈ હોવાની ફરિયાદો ઊઠી હતી.
GST ઘટતાં મળેલી રાહત ધોવાઈ ગઈ
સપ્ટેમ્બર ૨૦૨૫માં ડેરી ઉત્પાદનો પરનો GST દર ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો ત્યારે અમૂલે આશરે ૭૦૦ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા હતા. તે સમયે ઘીનો ૧ લિટરનો કાર્ટન ₹૬૫૦થી ઘટીને ₹૬૧૦ અને ૫ લિટરનો ડબ્બો ₹૩,૨૭૫થી ઘટીને ₹૩,૦૭૫ થયો હતો. બટરના ભાવ પણ ઘટ્યા હતા. પરંતુ તાજેતરના ભાવવધારાથી ગ્રાહકોને જીએસટીમાં મળેલી રાહત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે.
દિવાળીના બજેટ પર પડશે સીધી અસર
દિવાળીમાં મીઠાઈઓ, ફરસાણ અને પકવાનો બનાવવા માટે ઘી-બટરનો ઉપયોગ અનિવાર્ય છે. ગ્રાહકો સામે હવે બેવડી મુશ્કેલી ઊભી થઈ છે: એક બાજુ ભાવવધારો ઝીંકાયો છે અને બીજી બાજુ બજારમાં ગાયના ઘીની કૃત્રિમ કે વાસ્તવિક અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. તહેવારો દરમિયાન પુરવઠાની વ્યવસ્થા સામાન્ય થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.













