ભરૂચ રેપ પીડિત બાળકીના મુદ્દે રાજકારણ, ઝારખંડના મહિલા મંત્રીએ કહ્યું, મજૂરો જતાં રહેશે તો ગુજરાત ઉભું રહી જશે
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી આ મામલાને લઈ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. તેણીએ કહ્યું કે, મજૂરોના રક્ષણની જવાબદારી અંગે ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ જશે.
કડક સજાની માગ
ઝારખંડનાં પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે કહ્યું કે ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલી છે.આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે એના પર ધ્યાન આપવું પડશે.બાળકીને અહીથી એરલિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઇતી હોય તોપણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માગ છે. આરોપી પણ ઝારખંડનો છે, પણ આરોપી કોઇપણ હોય, તેને સજા મળવી જોઇએ.
ઋષિકેશ પટેલે શું કહ્યું?
સમગ્ર ઘટનાને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મની ઘટનાને લઈને બાળકીને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. જ્યારે ઝારખંડનું મંત્રીમંડળ- ટીમ અહીં આવી છે. તે પણ સારવાર આપવામાં આવી રહી છે તેનાથી ખુશ છે.'
શું હતી સમગ્ર ઘટના?
ગઈ કાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીયબાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.








