₹32 લાખના દારૂકેસમાં ભાજપ નેતાનું નામ! ક્રાઇમ બ્રાન્ચે ટ્રક પકડી, ફરાર આરોપીઓની શોધખોળ

Bharuch News: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા ત્રણ રસ્તા નજીકથી પ્લાસ્ટિકના કેરેટની આડમાં ગેરકાયદે રીતે વહન કરાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. દમણથી રાજપીપળા તરફ લઈ જવાતા આ વિદેશી દારૂના નેટવર્કમાં ભાજપ આગેવાનનું નામ ખૂલતાં ચકચાર મચી ગઈ છે.
કુલ 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ટ્રકને આંતરી હતી. તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડવામાં આવેલી વિદેશી દારૂ તથા બીયરની કુલ 11,916 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 22.55 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત કુલ 32.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ભાજપ આગેવાન સંડોવાયાનો ઘટસ્ફોટ
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકચાલક બબલુ પ્રજાપતિ નામના શખસની ધરપકડ કરી છે. જ્યારે તપાસ દરમિયાન દારૂના આ કારોબારમાં વોન્ટેડ આરોપીઓ તરીકે શિવમસિંહ ચૌહાણ, દિનેશ વસાવા અને અન્ય એક શખસનું નામ સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન છે, જ્યારે તેની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની સભ્ય છે. રાજકીય જોડાણ ધરાવતા નેતાનું નામ ખુલતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

