નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ ઉનામાં NCTEના બોગસ લેટર પર ચાલતી બી.એડ. કોલેજ ઝડપાઈ; સંચાલકો સામે FIR
ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી અધિકારીઓ બાદ હવે નકલી બી.એડ. કોલેજનો ચોંકાવનારો

ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી અધિકારીઓ બાદ હવે નકલી બી.એડ. કોલેજનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઉના તાલુકાના ભાચા ગામની વી.બી. નાંડોળા બી.એડ. કોલેજ દિલ્હી સ્થિત એનસીટીઈ (NCTE) ની માન્યતા વિના જ બોગસ પત્રના આધારે ચાલતી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે નરસિંહ મહેતા યુનિવર્સિટી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર કૌભાંડ?
કોઈપણ બી.એડ. કોલેજ શરૂ કરવા માટે NCTE (દિલ્હી) ની મંજૂરી લેવી અનિવાર્ય છે. ઉનાની ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંડોળા કોલેજની માન્યતા NCTE દ્વારા રદ કરી દેવામાં આવી હતી. તેમ છતાં, કોલેજ સંચાલકોએ NCTEના નામે એક બનાવટી (બોગસ) પત્ર તૈયાર કર્યો અને તેના આધારે બે વર્ષ સુધી કોલેજ ધમધમતી રાખી. નવાઈની વાત એ છે કે, આ બોગસ પત્રના આધારે યુનિવર્સિટીએ આ કોલેજને 100 વિદ્યાર્થીઓ પણ ફાળવી દીધા હતા!
નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર (VC) તરીકે પ્રતાપસિંહ ચૌહાણ આવ્યા બાદ તેમના ધ્યાન પર આ ગેરરીતિ આવી હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાચાની વી.બી. નાંડોળા કોલેજ, વિસણવેલની ઉકાભાઇ ડોડીયા બી.એડ. કોલેજ, માંગરોળના શારદાગ્રામની બી.એડ. કોલેજ
આ ત્રણેય કોલેજોની માન્યતા રદ કરી નાખી હતી. ત્યારબાદ એક આર.ટી.આઈ. (RTI) એક્ટિવિસ્ટની તપાસમાં સ્પષ્ટ થયું કે NCTEએ વર્ષ 2022-23અને 2023-24માં કોઈ જ મંજૂરી આપી નહોતી.
પોલીસ કાર્યવાહી અને કલમોનો સકંજો
યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ફરિયાદને આધારે જૂનાગઢ તાલુકા પોલીસે કોલેજના ટ્રસ્ટી મંડળ, તત્કાલીન પ્રિન્સિપાલ નીતાબેન બચુભાઇ નાંડોળા અને બોગસ પત્ર તૈયાર કરી આપનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ IPCની 406,420, 465, 467, 468, 471 અને 114ની કલમો લગાવી છે ઉપરાંત BNSની 316 (2), 318 (4), 336 (2), 338, 340 (2)ની કલમો લગાવી ગુનો નોંધ્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં
આ કૌભાંડમાં સૌથી મોટો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બન્યા છે. જેમણે મહેનત અને ફી ભરીને એડમિશન લીધું હતું, તેમની ડિગ્રી અને કારકિર્દી હવે જોખમમાં મુકાઈ છે. કોલેજ સંચાલકોએ સત્તાધિશો અને વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત કરીને શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) એ આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે.








