Junagadh મનપાની ઘોર બેદરકારી; ખોદેલા રસ્તાઓમાં પાણીની નળીઓ ભરાવી પાણી ભરવા મજબૂર બન્યા સ્થાનિકો
જૂનાગઢ મહાનગરપાલિકાના 'વિકાસ'ના દાવાઓની પોલ ઝાંઝરડા રોડ પર આવેલી સોસાયટીઓએ ખોલી દીધી છે. જૂનાગઢના વોર્ડ

જૂનાગઢ મહાનગરપાલિકાના 'વિકાસ'ના દાવાઓની પોલ ઝાંઝરડા રોડ પર આવેલી સોસાયટીઓએ ખોલી દીધી છે. જૂનાગઢના વોર્ડ નં. 5 ના રહીશો છેલ્લા આઠ દિવસથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા રસ્તો બનાવવાના નામે ખોદકામ કરી નાખવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ કામ અધવચ્ચે છોડી દેતા હજારો લોકોની હાલાકી વધી ગઈ છે.
ઝાંઝરડા રોડ પર આવેલ દિપાલી પાર્ક-3, મયુર નગર, ગોકુલેશ ગૌશાળા, મોટા મંદિર હવેલી શેરી અને સાઈબાબા મંદિર વાળી શેરીઓમાં સ્થિતિ અત્યંત દયનીય છે. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવાથી પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડ્યું છે અથવા તો પહોંચવું મુશ્કેલ બન્યું છે. સોસાયટીના રહીશો અત્યારે રસ્તા પરના ખોદેલા ખાડાઓમાં ઉતરીને, કાદવ-કીચડ વચ્ચે નળીઓ ભરાવીને પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે.
સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે આ બાબતે મનપાના કમિશનર, પદાધિકારીઓ અને વોર્ડના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે જૂનાગઢના આ વિસ્તારની દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.






