અમદાવાદમાં બેંક મેનેજરે પોતાની જ બેંકને લગાવ્યો કરોડોનો ચૂનો, આખરે થઈ ધરપકડ; જાણો શું છે મામલો
અમદાવાદમાં બેંકના અધિકારીએ જ બેંકને કરોડો રુપિયાનો ચુનો લગાવ્યો હતો, જે ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ બેંક

અમદાવાદમાં બેંકના અધિકારીએ જ બેંકને કરોડો રુપિયાનો ચુનો લગાવ્યો હતો, જે ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ બેંક અધિકારીની ધરપકડ કરી છે. આરોપીને શેર માર્કેટમાં નુકસાન થતા તેણે બેંકમાં ઉચાપત કરી અને તે રુપિયા શેર માર્કેટમાં રોકાણ કરતા ફરી નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં શું હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ વિપુલ પટેલ છે. જે અમરનાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે નોકરી કરતો હતો. અને આરોપી વિપુલ પટેલે બેંક સાથે જ 2 કરોડ 50 લાખ 57 હજારની ઉચાપત કરી હતી. આરોપી બેંક મેનેજર વિપુલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી બેન્ક નાણા પોતાના તથા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ઉચાપત કરી હતી. મહત્વનું છે કે, આરોપીને શેર બજારમાં રુપિયા 15 લાખનું નુકસાન થતા તે દેવું ભરપાઈ કરવા આ ઉચાપત કરી હતી. મહત્વનું છે કે છ મહિનાના સમયમાં જ આરોપીએ બેંકના અઢી કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી. જે હકીકત સામે આવતા બેંકના જ કર્મચારીએ બેંકના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ: શેર બજારમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
અઢી કરોડથી વધુની ઉચાપત અંગે બેંક અધિકારી વિપુલ પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે બે બેંકો વચ્ચે થતા નાણાકીય વ્યવહાર માટે વપરાતા ઓવરડ્રાફ્ટ પોતાના અને પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરાવી રકમ મેળવી લીધી હતી. અને તે રકમ શેર માર્કેટના ફ્યુચર ક્રેડિટમાં રોકાણ કરી હતી. સાથે જ શેર માર્કેટમાં થયેલા 15 લાખનું દેવું પણ ભરપાઈ કર્યું હતું. આરોપી વિપુલે ફેબ્રુઆરી 2024થી જુન 2024ના સમયગાળા દરમિયાન આ ઉચાપત કરી હતી.
સાથે જ બેંકના પોર્ટલ પરથી આવતો ઓટીપી પોતે જ મેળવી લઈ આરટીજીએસના નાણા એપ્રુવ કરી પોતાના ખાતામાં મેળવતો હતો. મહત્વનું છે કે આરોપી વિપુલ 2013થી બેંકમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. ત્યારબાદ પ્રમોશન મેળવી તાજેતરમાં જ બેન્ક મેનેજર બન્યો હતો. મેનેજર બનતા જ પોતાના હાથમાં આવેલી સત્તાનો દુરુપયોગ કરી છ મહિનામાં જ બેંકના અઢી કરોડથી વધુની ઉચાપત કરી હતી. જોકે આરોપીએ રોકેલા શેરબજારના રૂપિયાનું પણ નુકસાન થતાં હવે બેન્કનું નુકસાન કોણ ભરપાઈ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.






