NARMADA : 2 વર્ષથી વિદેશમાં રહેતા બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને સસ્પેન્ડ કરાયા
Narmada News : શાળામાં શરૂ ફરજે ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે

Narmada News : શાળામાં શરૂ ફરજે ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે 134 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરીને ઘરેભેગા કરી દીધા છે. હવે મળતા સમાચાર મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
શિક્ષિકા નિલેશ્વરી પટેલ 4-6-2022થી શાળામાં ગેરહાજર
તિલકવાડા તાલુકાની બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નિલેશ્વરી પટેલ 4-6-2022થી શાળામાં ગેરહાજર રહ્યાં છે અને છેલ્લા 2 વર્ષથી વિદેશમાં છે. આ શિક્ષિકાએ રજા માટે મંજૂરી માંગી હતી, જો કે મંજૂરી ન મળવા છતાં તેઓ વિદેશ જતા રહ્યાં હોવાના સમાચાર છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આજે નિલેશ્વરી પટેલને ફરજથી બરતરફ કરવામાં આવ્યા છે.
રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર
ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.
31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર
રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.








