મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ટ્રેન ઉથલાવી પાડવાના કારસામાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, પ્રમોશન મેળવવા કાઢ્યા હતા પેડલોક

સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પરથી બે દિવસ પહેલાં 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પા

સુરતમાં ટ્રેન ઉથલાવી પાડવાના કારસામાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, પ્રમોશન મેળવવા કાઢ્યા હતા પેડલોક

સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પરથી બે દિવસ પહેલાં 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરામાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે. રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ કાઢી નહીં શકે તેવી આશંકા તપાસ એજન્સીઓને પહેલાથી જ હતી. તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

સુભાષ પોદ્દાર આરોપી

રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ટ્રેક પરથી પેડલોક કાઢી નાંખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી છે. તેણે પોતે જ પેડલોક કાઢ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા દિવસથી જ સુભાષ પર શંકા હતી. કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એકસાથે 71 પેડલોક કાઢી શકે નહીં. પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલાં ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી.

3 કર્મીઓની અટકાયત

ત્રણેય ટ્રેનના લોકો પાઈલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી. ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, જેથી એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી. સુભાષની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ કેસમાં 3 રેલવે કર્મીઓને અટકાયતમાં લઈ સુરત એલસીબી અને એસઓજી પૂછપરછ કરી રહી છે.

શું કામ કાવતરું ઘડ્યું?

હજારો લોકોનો જીવ જોખમમાં મુકાય એવું કામ રેલવે કર્મચારીઓએ કેમ કર્યું તે મોટો પ્રશ્ન છે. તપાસ એજન્સીઓ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે. પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી છે. કે પ્રમોશન મેળવવા, મીડિયામાં ચમકવા અને રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું છે. જોકે, ખરી હકીકત તો તપાસના અંતે જ બહાર આવશે.

આ સમાચાર શેર કરો