મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: વડીયાના અરજણસુખ ગામે આધેડ પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

અમરેલી: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અરજણસુખ ગામે એક અત્યંત સનસનીખેજ અને હ

Amreli: વડીયાના અરજણસુખ ગામે આધેડ પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

અમરેલી: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અરજણસુખ ગામે એક અત્યંત સનસનીખેજ અને હિચકારી ઘટના સામે આવી છે, જેમાં ગોંડલના એક આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.

સાળા સહિત 12 શખ્સોએ કર્યો હુમલો

ગોંડલથી અરજણસુખ આવેલા દિનેશભાઈ સોલંકી પર બગસરાના સાપર-સુડાવડ ગામના શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દિનેશ સોલંકીના સાળા સહિત આશરે 12 જેટલા શખ્સોએ આ જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ કુહાડી વડે હુમલો કરીને દિનેશ સોલંકીનો એક પગ કાપી નાખ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશભાઈને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલત જોતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મોત

રાજકોટમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન દિનેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હુમલો કરીને ફરાર થઈ ગયેલા સાળા સહિતના 12 જેટલા શખ્સોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ જીવલેણ હુમલા પાછળનું ચોક્કસ કારણ અંગત અદાવત કે અન્ય કોઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો