સુરતમાં જનતા રેડ કરવા ગયેલા યુવક પર હુમલો, પોલીસ પર કરાયા આવા ગંભીર આરોપ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં દારૂના અડ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં દારૂના અડાઓ ધમધમી રહ્યાં છે. જેના પર જનતા રેડ કરવા ગયેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં ધમધમતા દેશીદારૂના અડ્ડા પર ગયેલા યુવક પર હુમલો થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદ છતાં કાર્યવાહી નહી
અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજર પર જીવલેણ હુમલો થયો હતો. જયેશ અને તેની ટીમ દ્વારા અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં આવેલા આવાસમાં ફ્લેવર્ડવાળા દેશી દારૂ વેચવામાં આવતો હોવાથી અવારનવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં જનતા રેડ કરવામાં આવી હતી.
બુટલેગર દ્વારા હુમલો
ઈજાગ્રસ્ત જયેશ ગુજરએ કહ્યું કે, દોઢ વર્ષથી આ અડ્ડો ધમધમતો હતો. અમે અગાઉ પણ આ અંગેની ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અમે જ્યારે જનતા રેડ કરવા ગયા ત્યારે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં મને પોલીસ સ્ટેશન પણ બે કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. જો કે, પોલીસ પણ બુટલેગર સાથે મળી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી. જેથી અમારી એક જ માગ છે કે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.








