સુરતમાં રાત્રે 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષોનો સોથ વળી ગયો, 18 ઝાડ પડતાં રાતભર દોડતું રહ્યું ફાયરબ્રિગેડ
સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેથી શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષો જમીન દોસ્ત થયાં હતાં. વૃક્ષો તૂટી પડતાં વાહનો દટાયા હતા. તો રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતાં. જેથી રાતભર ફાયરબ્રિગેડ દોડતું રહ્યું હતું.
મકાન પર ઝાડ પડ્યું
અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો. ભારે પવનના કારણે છાપરા પણ ઉડયા હોવાની ઘટના બની હતી. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થઈ જતાં ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા હતા.
અલગ અલગ ઝોનમાં ઝાડ પડ્યાં
સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. શહેરના પાલ, અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતજોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સેન્ટ્રલ ઝોનમાં 4, રાંદેર 9, લિંબાયત 1, કતારગામ 3 અને વરાછામાં 1 ઝાડ પડ્યું હતું.








