મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: મિત્રોને બચાવવા જતા આર્મીમેન ઓઝત નદીના પ્રવાહમાં તણાયા, શોધખોળ શરૂ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નજીક આવેલા ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં દીવાળી વેકેશન માણવા ગ

Junagadh: મિત્રોને બચાવવા જતા આર્મીમેન ઓઝત નદીના પ્રવાહમાં તણાયા, શોધખોળ શરૂ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નજીક આવેલા ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં દીવાળી વેકેશન માણવા ગયેલા યુવાનોનો ન્હાવાનો કાર્યક્રમ દુઃખદ ઘટનામાં પલટાયો છે. ઓઝત વીયર ડેમ નજીક નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રોમાંથી એક આર્મીમેન પોતાના સાથીઓને બચાવવામાં સફળ રહ્યો, પરંતુ પોતે પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતાં લાપતા બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આર્મીમેન ભરતભાઈ લક્ષ્મણભાઈ ભેટારીયા તેમના ત્રણથી ચાર મિત્રો સાથે દીવાળીના વેકેશનની ઉજવણી કરવા માટે ગઈકાલે ઓઝત નદી કિનારે ગયા હતા. નદીમાં ન્હાવા દરમિયાન અચાનક ચારેય યુવાનો પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા. આ પરિસ્થિતિમાં, આર્મીમેન ભરતભાઈએ અસાધારણ હિંમત બતાવી અને પોતાના તમામ મિત્રોને બચાવવાનો પ્રયાસ કર્યો.

અહેવાલ અનુસાર, ભરતભાઈએ સફળતાપૂર્વક ત્રણેય મિત્રોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, મિત્રોને બચાવવાના પ્રયાસમાં તેઓ પોતે જ ઓઝત નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયા અને તણાઈ ગયા.

મોડી રાતથી શોધખોળ ચાલુ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું હતું. કેશોદ અને જૂનાગઢની ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાતથી જ ઓઝત નદીના ઊંડા અને વહેતા પાણીમાં યુવાન ભરતભાઈને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

આજ સવાર સુધી પણ આર્મીમેન ભરતભાઈનો કોઈ પત્તો લાગી શક્યો નથી. ફાયર ટીમ દ્વારા હજુ પણ પાણીમાં શોધખોળનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. વંથલી મામલતદાર સહિતની વહીવટી ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

આ સમગ્ર ઘટનાએ દીવાળીના તહેવારોની ઉજવણીમાં ગમગીનીનો માહોલ સર્જી દીધો છે. ભરતભાઈના મિત્રો હાલ આઘાતમાં છે, જ્યારે તેમના પરિવારજનો અને વતનજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

આ સમાચાર શેર કરો